indian monsoon break phase: ભારતમાં ચોમાસું થોડું ધીમું પડ્યા બાદ હવે ફરી એકવાર રફતાર પકડવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ (IMD) ના લેટેસ્ટ અપડેટ મુજબ, 23 જૂનની આસપાસ ચોમાસું ફરી સક્રિય થશે. અત્યારે જ્યાં અમુક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યાં ઉત્તર ભારત અને ગુજરાત સહિતના વિસ્તારો હજુ પણ કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ અસમાન વરસાદની સીધી અને મોટી અસર દેશની ખેતી અને ખેડૂતો પર પડી રહી છે. ક્યાંક પૂર તો ક્યાંક દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતા ખરીફ પાકના વાવેતરને મોટું નુકસાન થવાની ભીતિ છે.
અત્યારે ક્યાં પહોંચ્યું છે ચોમાસું?
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અત્યારે ચોમાસાની લાઇન હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાચલમ, કોરાપુટ, ફુલબની, રાંચી, જમુઈ અને મુઝફ્ફરપુર સુધી પહોંચી ગઈ છે. આનો સીધો અર્થ એ છે કે દક્ષિણ અને પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે. પરંતુ દિલ્હી, પંજાબ, હરિયાણા, પશ્ચિમ યુપી અને રાજસ્થાન સહિત આખા ઉત્તર ભારતમાં લોકો હજુ વરસાદની રાહ જોઈને બેઠા છે. ગુજરાત અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં પણ મેઘરાજાની એન્ટ્રી હજુ અધૂરી છે.
ચોમાસાએ કેમ મારી બ્રેક?
આ વર્ષે કેરળમાં ચોમાસાએ થોડી મોડી એન્ટ્રી કરી, પણ ચિંતા ત્યારે વધી ગઈ જ્યારે અચાનક તેની ગતિ ધીમી પડી ગઈ. હવામાનની ભાષામાં આને "ચોમાસાનો વિરામ" (Monsoon Break) કહેવાય છે. સેટેલાઇટ તસવીરોમાં પણ સ્પષ્ટ દેખાયું કે વાદળો ઓછા થઈ ગયા અને વરસાદ અચાનક ઘટી ગયો. અલબત્ત, ચોમાસું પૂરું નથી થયું, બસ તેનો સક્રિય તબક્કો થોડો નબળો પડ્યો છે. આ પાછળ 'અલ નીનો' ની અસર પણ જવાબદાર માનવામાં આવી રહી છે. પેસિફિક મહાસાગરનું ગરમ પાણી ભારતમાં ભેજવાળા પવનોને નબળા પાડે છે.
આ પણ વાંચોઃ ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?
23 જૂનથી ફરી જામશે વરસાદી માહોલ
IMD ની આગાહી મુજબ, હવે ધીમે ધીમે વાતાવરણ ફરી અનુકૂળ બની રહ્યું છે અને 23 જૂનની આસપાસ ચોમાસું ફરી જોર પકડી શકે છે. આગામી દિવસોમાં તે મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના બાકીના વિસ્તારોમાં આગળ વધશે. 19 થી 25 જૂન વચ્ચે નોર્થ-ઈસ્ટના રાજ્યો જેવા કે આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
પૂર્વથી લઈને પશ્ચિમ સુધીનું હવામાન
પૂર્વ ભારતના બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભારે ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ છે. દક્ષિણ ભારતમાં અત્યારે છૂટોછવાયો વરસાદ છે, જે 20 જૂન પછી જોર પકડશે. પશ્ચિમ ભારતમાં કોંકણ અને ગોવામાં 22 જૂન પછી સારો વરસાદ પડવાની ધારણા છે. સામે પક્ષે, દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં હજુ ચોમાસું પહોંચ્યું નથી, ત્યાં માત્ર પ્રી-મોનસૂન એક્ટિવિટી (જેમ કે આંધી-તોફાન અને સામાન્ય છાંટા) જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ખેડૂતો પર બેવડો માર: ક્યાંક પૂર તો ક્યાંક દુષ્કાળ
આ વર્ષના અનિયમિત ચોમાસાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ખેતી પર જાણે બેવડો માર પડ્યો છે. જે વિસ્તારોમાં વરસાદ પહોંચી ગયો છે (જેમ કે આસામ, મેઘાલય, બંગાળ), ત્યાં ભારે વરસાદ અને પૂરને કારણે ડાંગરના ધરુવાડિયા (નર્સરી) ને નુકસાન થઈ રહ્યું છે. અને જ્યાં વરસાદ નથી પડ્યો (જેમ કે ઉત્તર અને મધ્ય ભારત), ત્યાં કાળઝાળ ગરમી અને દુષ્કાળ જેવી સ્થિતિને લીધે સિંચાઈનો ખર્ચ વધી ગયો છે.
ખરીફ પાક સંપૂર્ણપણે ચોમાસા પર આધારિત છે, ત્યારે વરસાદ ખેંચાતા વાવણીમાં મોડું થઈ રહ્યું છે. ઘણા ખેડૂતો સૂકી જમીનમાં વાવેતર કરવાનું જોખમ લઈ રહ્યા છે. જો વરસાદની ખેંચ આવી જ રહેશે, તો પાકના ઉત્પાદન અને અર્થતંત્ર પર ગંભીર અસર પડી શકે છે.
