Gujarat Bridge: મોરબી દુર્ઘટના બાદ હવે સરકારે રાજ્યના તમામ પુલોની ગુણવત્તાની ચકાસણીનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પુલોની ગુણવત્તાની તપાસ રાજ્યના માર્ગ અને મકાન વિભાગને સોંપી છે. માર્ગ અને મકાન વિભાગ રાજ્યના અંદાજિત 8 હજાર પુલોની જૂનના પ્રથમ સપ્તાહથી ચકાસણી શરૂ કરશે. ચકાસણી બાદ રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ સરકારને રિપોર્ટ સબમિટ કરશે. પુલોની ચકાસણીમાં એક્ઝિક્યુટિવ એન્જિનીયર, સિનીયર અને જુનિયર ઈજનેરને આ કામગીરી સોંપી છે. માર્ગ અને મકાન વિભાગના સચિવે હવેથી દર વર્ષે આ મુજબ પુલોની ચકાસણી કરવાનો દાવો કર્યો હતો.
આ પહેલા રાજ્ય સરકારે બ્રિજની સ્થિતિ અને કામગીરીને લઈને નવી નીતિ જાહેર કરી છે. રાજ્ય સરકારના માર્ગદર્શિકા મુજબ બ્રિજનું 6 મહિનામાં એકવાર ઈન્સ્પેક્શન કરવામાં આવશે, એટલે કે વર્ષમાં 2 વખત ઈન્સ્પેક્શન કરવું ફરજીયાત રહેશે. રાજ્યભરમાં આવેલા તમામ બ્રિજો પર કોઈ મોટી દુર્ઘટના ન બને તે હેતુને ધ્યાને રાખી સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી બ્રિજનું વર્ષમાં બે વખત ઈન્સ્પેક્શન કરવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યના તમામ બ્રિજોનું વર્ષનમાં મે મહિનો અને ઓક્ટોબર મહિનામાં ઈન્સ્પેક્શન કરવાનું જણાવ્યું છે. બ્રિજની નવી નીતિ અંગેની માર્ગદર્શિકા મુજબ તમામ બ્રિજોની ઈન્સ્પેક્શનની સંપૂર્ણ જવાબદારી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઈઝનેરના શિરે રહેશે.
નોંધનીય છે કે, ઘણા સમયથી વિવાદોમાં રહેલો હાટકેશ્વર બ્રિજ અંતે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને કરી હતી. સાથે જ બેથી અઢી વર્ષમાં નવો બ્રિજ તૈયાર કરવાની માહિતી પણ આપવામાં આવી હતી. 40 કરોડ રુપિયાના ખર્ચે બનેલો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ અંતે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક્સપર્ટ કમિટીના રિપોર્ટમાં બ્રિજની કામગીરી નબળી હોવાનું ખુલ્યુ છે.
અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલ ફોર-લેન ફ્લાયઓવરનું ઉદ્ઘાટન 2017માં કરવામાં આવ્યુ હતું. પરંતુ ગણતરીના સમયમાં જ તે બ્રિજ જર્જરિત થઈ ગયો હતો. 40 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ફ્લાયઓવર ટ્રકોનું ભારણ ઉઠાવવા માટે સક્ષમ નહોતો. જેના પરિણામે ટ્રાફિકના લોડ તેમજ બ્રિજ સુપર સ્ટ્રક્ચરના વજનને ટ્રાન્સફર કરતી સ્ટ્રક્ચરલ ડિવાઈસને નુકસાન પહોંચ્યું હતુ. એટલુ જ નહીં એક પછી એક અનેક વાર બ્રિજ પર ગાબડા પડવાની ઘટનાઓ પણ સામે આવી હતી.