અમદાવાદ: આવતીકાલથી સ્ટાઈપેન્ડ અને માનદ વેતન વધારવાની માગ સાથે ઈન્ટર્ન ડોક્ટરો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે. આયુર્વેદિક ડોક્ટરોને 58 પ્રકારની સર્જરીના નિર્ણયના વિવાદ વચ્ચે હવે ઈન્ટર્ન ડોક્ટરો મેદાનમાં આવ્યા છે. કોરોના કાળમાં અન્ય રાજ્ય કરતા ઓછું વેતન રાજ્ય સરકાર ડોક્ટરોનેઆપી રહી હોવાનો આરોપ ઈન્ટર્ન ડોક્ટરોએ લગાવ્યો છે. તેમને રૂ 12800 જેટલું વેતન આપવામાં આવી રહ્યું છે જે ગુજરાત સરકાર અન્ય રાજ્યના ડોકટરોને મળતા વેતન મુજબ ઓછું છે.


વેતન વધારવા માટે નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય સચિવ સહિતના અધિકારીને વારંવાર રજુઆત કરી છતાં કોઈ નિર્ણય લેવાયો નથી. ઈન્ટર્ન ડોક્ટરોની માગ છે કે 12800 સ્ટાઇપેન્ડ વધારી ઓછામાં ઓછું 20 હજાર કરી આપવામાં આવે. જે એપ્રિલ માસથી ગણી અને તેનું એરિયર્સ પણ ચુકવવામાં આવે.

એપ્રિલ મહિનાથી આજદિન સુધી તમામ ઈન્ટર્ન ડોકટરોને બોન્ડ સમયગાળામાં 1:1 ગણી ઈન્ટર્નશિપ પુરી થાય ત્યારે તમામને બોન્ડમુક્ત ગણવા. આ સાથે જ કોરોનામાં જે ફરજ બજાવી છે તેમાં ઈન્ટર્ન ડોકટરોને પ્રોત્સાહિત માનદ વેતન પ્રતિદિન 1 હજારનું મહેનતાણું આપવામાં આવે.