Bridge collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. સરકાર જવાબદાર સામે ફોજદારી કેસ નોંધાવી શકે છે. આ કિસ્સામાં જવાબદારો સામે ગુનાહિત બેદરકારીને કારણે થતા મૃત્યુના કેસની ફોજદારી કલમો લગાવી શકાય છે કે કેમ તે અંગે સરકાર કાયદાકીય પરાર્મશ લેશે. દુર્ઘટના બાદ સરકારે ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા હતા.સરકારે બનાવેલી છ સભ્યોની સમિતીએ ઘટનાના 48 કલાકમાં એક પ્રાથમિક અહેવાલ પણ સરકારને સોંપ્યો છે અને હજુ વિસ્તૃત અહેવાલ 30 દિવસમાં સરકારને મળશે. આ અહેવાલના આધારે સરકાર નિર્ણય લેશે. આ ઉપરાંત હજુ પણ અન્ય અધિકારીઓની ભૂમિકા ચકાસવામાં આવશે. ગઈકાલે જ સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલદુર્ઘટના સ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતા. જ્યા તેમને પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાના કારણે બ્રિજ તૂટ્યો હોવાનો પ્રાથમિક અહેવાલ સમિતિએ આપ્યો છે. દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 20 પર પહોંચ્યો છે જ્યારે હજુ પણ એક લાપતા હોવાની આશંકા છે.
શું છે સમગ્ર ઘટના
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 40 વર્ષ જૂનો ગંભીરાબ્રિજ 9 જુલાઈના વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ ધરાશાયી થઇ ગયો અને 20 લોકોની જિંદગી લેતો ગયો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતા વાહનોમાં 3 ટ્રક, 1 રિક્ષા, 1 ઈકો, 1 પિકઅપ વાન થે જ 2-3 બાઇક નદીમાં ખાબક્યાં હતાં. ટ્રક નીચે એક કાર ફણ દબાઈ હતી. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા છે તો હજુ એક લાપતા છે. ઘટના બાદ તાબડતોબ રેસ્ક્યુઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દુર્ધટનાને લઇને અનેક સવાલ ઉઠી રહ્યાં છે. એક નહિ અનેક વખત આવી દુર્ઘટનામાં લોકોની જિંદગી હોમાઇ રહી છે. તો પછી કેમ બ્રિજનના બાંધકામની ગુણવત્તા પર અને સમયે સમયે તેનો ફિટનેસ ટેસ્ટ નથી થતો. આ દુર્ઘટનાને લઇને સરકારે સમિતી રચના કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 4 એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.