રાજકોટ: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે એ નક્કી છે પરંતુ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે હજી પાટીદાર આગેવાને પત્તા ખોલ્યા નથી. નરેશ પટેલ ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા જામનગર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા, આ ઉપરાંત કોંગ્રેસ હાઈ કમાન્ડ અને પ્રશાંત કિશોર સાથે પણ મુલાકાત કરી હોવાની વાત સામે આવી છે. હવે આ બધાની વચ્ચે પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમના કાર્યક્રમમાં નરેશ પટેલને આમંત્રણ આપવમાં આવતા રાજકારણ ગરમાયું છે.
આ અંગે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નિવેદન સામે આવ્યું છે. આજે રાજકોટ ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સૌરાષ્ટ્રના નવ જીલ્લાના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સાડા ત્રણથી ચાર લાખ જેટલા લોકો એકત્રિત કરવામાં આવશે. લોકાર્પણના કાર્યક્રમ અંતર્ગત તમામ સમાજના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેથી એવી અટકળો વહેતી થઈ છે કે શું નરેશ પટેલ પીએમ મોદીની હાજરીમાં ભાજપમાં જોડાશે?
આ અટકળો એટલા માટે પણ મહત્વની કારણ કે બે દિવસ પહેલા નરેશ પટેલે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને દિનેશ બાંભણીયા સાથે મુલાકાત કરી હતી. હવે આ બેઠક બાદ આજે દિનેશ બાંભણીયા સીઆર પાટીલને મળવા રાજકોટ પહોંચ્યા હતા. તેથી લોકોમાં ચર્ચા છે કે પાટીદાર આગેવાનો કેસરીયો ધારણ કરે તો નવાઈ નહીં. જો કે હાલમાં તો આ બધી જો અને તોની વાતો છે. નરેશ પટેલે કહ્યું છે કે તેઓ આઠ કે દસ દિવસમાં રાજકારણમાં જોડાવા અંગે ખુલાસો કરશે.
પાટીદાર આગેવાન દિનેશ બાંભણીયા અચાનક સીઆર પાટીલને મળવા પહોંચતા રાજકારણ ગરમાયું
રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર નેતાઓ દરેક ગતિવિધિ ચર્ચાનો વિષય બની રહી છે. નરેશ પટેલ રાજકારણમાં આવવા અંગે પણ અટકળો ચાલી રહી છે. જો કે તેઓ ક્યા પક્ષ સાથે જોડાશે તે અંગે રહસ્ય અકબંધ છે. આ દરમિયાન તેમણે પાટિદાર સમાજના ત્રણ દિગ્ગજ આગેવાનો સાથે મુલાકાત કરી હતી. નરેશ પટેલે હાર્દિક પટેલ,દિનેશ બાંભણીયા અને અલ્પેશ કથીરિયા સાથે ખોડલધામમાં બેઠક કરી હતી. આ હવે બેઠક બાદ પાટીદાર નેતા દિનેશ બાંભણિયા સીઆર પાટીલને મળવા માટે રાજકોટ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.
આ મુલાકાતને લઈને અનેક અટકળ વહેતી થઈ છે. જો કે તેઓ જનરલ કેટેગરીના ઉમેદવારોના પ્રશ્નોને લઈને સીઆર પાટીલ સાથે મુલાકાત કરવાના હોવાની વાત સામે આવી છે. પીએસઆઇની ભરતીમાં જનરલને ખૂબ જ અન્યાય થયો હોવાની વાત તેઓ કહી રહ્યા છે. બાંભણીયાએ કહ્યું કે, વિદ્યાર્થીઓ વતી અમે મુલાકાત કરવા આવ્યા છીએ.પી.એસ.આઈની પરીક્ષામાં વિદ્યાર્થીઓને અન્યાયને લઈને રજુઆત કરીશું. જનરલ કેટેગરીના 1282ને બદલે 107 યુવાનોની જ પંસદગી થઈ છે.