બનાસકાંઠા: દેશના સૌથી યંગેસ્ટ IPS સફીન હસન કોઈના કોઈ પ્રકારે ચર્ચામાં રહેતા હોય છે. સફીન હસનને મોટી સંખ્યામાં યુવાનો ફોલો કરે છે. હાલમાં સફીન હસનની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં સફીન હસન કપાળે તિલક કરાવી રહ્યા છે. હકિકતમાં તેઓ મા અંબાના દ્વારે પહોંચ્યા હતા. સફીન હસને અંબાજી મંદિરે દર્શન કર્યા અને ગાદીએ જઇને રક્ષા કવચ  પણ બંધાવ્યું હતું. નોંધનીય છે કે, આ પહેલા સફીન હસન નવરાત્રિમાં ગરબે રમતા પણ જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, સફીન હસન હાલમાં અમદાવાદમાં DCP ટ્રાફિક તરીકે ફરજ બજાવે છે.




અંબાજીની નવી વેબસાઈટ


તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઈટ  WWW.AMBAJITEMPLE.IN નું  બીટા વર્ઝન લોન્ચ કરાયું છે. ધર્મ,સંસ્કૃતિ અને ટેકનોલોજીના સમન્વય થકી યાત્રાધામ અંબાજીના વિકાસની દિશામાં વધુ એક પહેલ નવીન વેબસાઈટથી મંદિરના દર્શન અને વિવિધ ઉત્સવો ઘરે બેઠા માણી શકાશે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ ના સંપૂર્ણ માર્ગદર્શન અને ભવિષ્યલક્ષી વિઝન મુજબ તૈયાર કરવામાં આવેલી યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઈટ  WWW.AMBAJITEMPLE.IN થકી વિશ્વભરમાં વસતા માઇભક્તો ઘરે બેઠા માતાજીના દર્શન, આરતી, પૂનમ અને ભાદરવી પૂનમના મેળા સહિતના પ્રસંગો નિહાળી શકશે.


ધર્મ,સંસ્કૃતિ અને ટેકનોલોજીના સમન્વય થકી યાત્રાધામ અંબાજીનો વિકાસ થાય અને વિશ્વભરમાં વસતા માં અંબેના ભક્તોને તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય અને ઘરે બેઠા  ટેકનોલોજીના માધ્યમથી જોડાઈ રહે તેવા અથાગ પ્રયત્નો અને સુવિધાઓ  અંબાજી મંદિર  ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે. અંબાજી મંદિરની નવીન વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી મંદિરના દર્શન સમય , યાત્રિ સુવિધાઓ,વિવિધ ઉત્સવો,૫૧ શક્તિપીઠ પરિક્રમા ઉત્સવ, અંબાજી આસપાસના સ્થળો, ગબ્બર  જ્યોત અખંડ દર્શન, ઓનલાઈન સુવર્ણદાન, ઓનલાઈન જનરલ ડોનેશન, જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આગામી સમયમાં ઓનલાઈન શોપ અને ઘરે બેઠા માં અંબાનો પ્રસાદ અને અન્ય ધાર્મિક ચીજ વસ્તુઓ મળી રહે તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. 


માં અંબાના ભક્તોને ટેકનોલોજીના માધ્યમથી શક્તિ ઉપાસનાનો અતુલ્ય અવસર  પ્રાપ્ત થઇ શકશે. કલેકટરશ્રી બનાસકાંઠા ,દાંતા પ્રાંત અધિકારીશ્રી અને અંબાજી મંદિરના વહીવટદારના માર્ગદર્શન હેઠળ અનેક બેઠકો, સૂચનો દ્વારા આ વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. અંબાજી મંદિરના ઇન્ફર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા અને ૩૬૧ માર્કેટિંગ કંપની દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.અંબાજી મંદિરના સોશિયલ મીડિયાને પણ અપડેટ કરી માં અંબાના ભાવિક ભક્તોને ટેકનોલોજીથી જોડાવાનો વિશેષ પ્રયત્ન કરેલ છે. પોષી પૂનમ માતાજીના પ્રાગટ્ય દિન અને ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪ પહેલા વેબસાઈટને નવીન થીમ, ટેકનોલોજી અને સુવિધાઓ સાથે  કાર્યરત કરવામાં આવેલ છે.