ગાંધીનગર: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ સર્જાયેલો છે ત્યારે હવામાન વિભાગ પ્રમાણે, ઉત્તર ગુજરાતથી લઈને રાજસ્થાન પર અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મધ્યપ્રદેશમાં લો-પ્રેશરથી વરસાદી સિસ્ટમ તૈયાર થઈ છે. જેને લઈને આગામી 5 દિવસ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. મધ્ય ગુજરાત અમદાવાદ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ વડોદરામાં ભારે વરસાદ જોવા મળશે.

દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, વાસદા અને ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ નોંધાશે. કચ્છ, દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરતના માંગરોળમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે વાપી અને કપરાડા તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત પારડીમાં 6.5 ઈંચ અને ધરમપુરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. વાપીમાં ભારેથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયાં છે.

પૂર્વ મધ્ય પ્રદેશમાં લો પ્રેશર નિર્માણ થવાના કારણે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ તેમજ રાજ્યના વિવિધ ભાગોમાં 6 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, કચ્છ વિસ્તારમાં લો-પ્રેશર નિર્માણ થવાથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગના મતે આગામી બે સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાતને મેઘો ભારે વરસાદથી ધમરોળશે. તેમજ 15 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે.