બુધ અને ગુરુવારે રાતે ખાબકેલા વરસાદને પગલે નદી, વાંઘામાં નવા નીર જોવા મળ્યાં હતાં. નાની સિંચાઇ યોજનાઓ, ચેકડેમ, તળાવો સહિત જિલ્લાના જળાશયોમાં પણ આવક શરૂ થઈ ગઈ હતી. વરસાદને પગલે કોઝવે પરથી પાણી વહેતા થતાં હિંમતનગર તાલુકાના કેટલાંક ગામોનો બપોર સુધી એક તરફી સંપર્ક તૂટી ગયો હતો. પાણી ભરાઈ જતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી. સવાર સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
વડાલીના સવૈયાનગરમાં રહેતા લોકો નીચાણવાળા વિસ્તારને કારણે હાલાકીમાં મૂકાયા હતા. પાણી ઝૂંપડામાં ઢીંચણસમા ભરાઇ જતાં જે કંઇ પણ હતું તે બગડી ગયું હતું. લોકો સવારે પીવાના પાણી માટે પણ વળખા મારી રહ્યા હતાં. ગુરૂવાર સાંજ સુધીના સાર્વત્રિક વરસાદમાં ઉત્તર ગુજરાતના 8 તાલુકામાં અતિભારે, 7 તાલુકામાં 2થી 3 ઈંચ, 17 તાલુકામાં 1-2 ઇંચ અને 15 તાલુકામાં હળવો વરસાદ રહ્યો હતો.
દાંતા, ભાભરમાં 2 ઇંચ, પોશીના, વિજાપુર, જોટાણા, સરસ્વતી અને હારીજમાં દોઢ ઇંચ સુધી, પાલનપુર, ધનસુરા, ચાણસ્મા, બાયડ અને વડગામમાં સવા ઇંચ, ખેરાલુ, પાટણ, બહુચરાજી અને સુઇગામમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો.દાંતીવાડામાં 21, લાખણીમાં 16 મીમી, ધાનેરામાં 15, ડીસામાં 13 મીમી, વડનગરમાં 13 મીમી વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જેવી સ્થિતિ રહેશે. જેમાં હળવાથી મધ્યમ એટલે 3 ઇંચ સુધીનો વરસાદ થઇ શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ જોવા મળી રહી છે.