ગાંધીનગરઃ ગુજરાત એક તરફ કોરોના સામે લડી રહ્યું છે ત્યારે બીજી તરફ આતંકવાદી હુમલાની શક્યતાના પગલે પોલીસ અને સલામતી દળો દોડતાં થઈ ગયાં છે. આતંકવાદીઓ દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં લોન વુલ્ફ એટેક કરાશે તેવી ચેતવણી ગુપ્તચર તંત્ર દ્વારા અપાતાં સલામતી વ્યવસ્થા સઘ કરી દેવાઈ છે. એક જ આતંકવાદી હુમલો કરીને મોટા પ્રમાણમાં તબાહી વેરવા પ્રયત્ન કરે તેને લોન વુલ્ફ એટેક કહે છે. આ હુમલામાં માત્ર એક જ આતંકવાદી સામેલ હોવાથી તે કોઈની સાથે સંપર્ક કરતો નથી અને પોતાની રીતે જ હુમલાને અંજામ આપે છે તેથી તેને શોધવો અઘરો પડે છે.

ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)એ ચેતવણી આપી છે કે, હાલની સ્થિતીનો લાભ લઈને આતંકીઓ એટેક કરશે. તેના પગલે વડોદરા શહેર અને જિલ્લામાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. એલર્ટના પગલે વડોદરા શહેર અને જિલ્લાની સુરક્ષા પોલીસે વધારી દીધી છે. વડોદરામાં એરપોર્ટ, રેલવે સ્ટેશન, એસ ટી ડેપો, ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા શહેર તથા જિલ્લામાં આવેલાં કોર્પોરેશન,જાહેર સાહસો, નિમેટા પ્લાન્ટ, કમાટીબાગની સુરક્ષા વધારી દેવાઈ છે. ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)એ ચેતવણી આપી છે કે,દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાત આતંકીઓના ટાર્ગેટ પર છે.