અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે મેઘરાજા મહેરબાન થયા હતા.  રાજ્યમાં આજે 112 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ વરસ્યો છે. દ્વારકામાં  13 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં 9-9 ઈંચ વરસાદ વરસ્યો હતો. દ્વારકા જિલ્લામાં મેઘરાજા છેલ્લા બે દિવસથી તોફાની બેટિંગ કરી રહ્યા છે. દ્વારકાના ખંભાળિયા અને કલ્યાણપુરમાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. 


ખંભાળિયા શહેરમાં જળબંબાકાર 


ખંભાળિયા શહેરની રામનાથ સોસાયટી,  નગરગેટ, સોની બજાર વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા હતા. વ્રજધામ સોસાયટીમાં ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. જેને લઈ રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થિતિનો તાગ મેળવવા મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.   ખંભાળિયાના સતવારા ચોરા વિસ્તાર પણ જળબંબાકાર થયો હતો. અહીં ઘરોમાં  વરસાદી પાણી ઘૂસ્યા હતા. સતવારા ચોરા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસ્યા હતા.  ખંભાળિયા શહેર સહિત તાલુકાના ગામો પણ જળબંબાકાર થયા છે. 


કલ્યાણપુર તાલુકામાં આભ ફાટ્યું


મોવાણ ગામની કૂંતી નદીમાં પૂર આવ્યું છે. પૂરના પાણી નદી કાંઠે આવેલા મંદિરમાં ઘૂસી ગયા હતા.  કલ્યાણપુર તાલુકામાં તો જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ગઈકાલે 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યા બાદ આજે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.  વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતા કલ્યાણપુર તાલુકામાં જળપ્રલય આવ્યું છે. નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. રસ્તાઓ પર નદીના પાણી ફરી વળ્યા હતા. કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં વહેતી કૂંતી નદીમાં પૂર આવ્યું હતું.  નદીના પાણી હાઈવે પર ફરી વળતા હાઈવે બંધ થયો હતો. કલ્યાણપુરથી રાવલ તરફનો સ્ટેટ હાઈવે પણ બંધ થયો છે.  ભારે વરસાદને લઈ હાઈવે પર નદીની જેમ પાણી વહેતા થયા હતા.  


રાવલ ગામ તો બેટમાં ફેરવાયું હતું. ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. સાની ડેમનું પાણી રાવલ ગામમાં ફરી વળ્યું છે.  જો વર્તુ 2 ડેમમાંથી પાણી છોડાયું તો સ્થિતિ વધુ વિકટ બનશે. હાઈવે પરથી પાણીનો ધસમસતા પ્રવાહ વહેતા રાવલથી કલ્યાણપુરનો માર્ગ બંધ થયો.  વરસાદને લઈ ભાટીયા અને ભોગાત વચ્ચેના સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. અહીં લોકો જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા હતા. કલ્યાણપુર તાલુકાના ગામોમાં વરસાદને લઈ ખેતરોમાં પણ નદીની જેમ પાણી વહેતા થયા હતા.