અમદાવાદ: ગુજરાતમાં નવા વર્ષની શરુઆતથી જ હાડ થીજવતી ઠંડી પડશે. કડકડતી ઠંડીને લઈ હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, થર્ટી ફર્સ્ટથી રાજ્યમાં ઠંડીનો પારો વધવાની શરૂઆત થશે. જાન્યુઆરીના પહેલા સપ્તાહથી કાતિલ ઠંડી અનુભવાશે. આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે જઈ શકે છે. આજે 8.1 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુ મથક રહ્યું છે. ભુજમાં 10 અને કંડલામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
ઠંડી શરૂ થતા જ લોકોએ ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દેવું પડ્યું છે. ગુજરાત હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી કરતા જણાવ્યું છે કે, કચ્છના કેટલાક વિસ્તારમાં આગામી દિવસમાં શીત લહેર છવાઈ શકે છે. કચ્છના નલીયા વિસ્તારમાં હજુ પણ પારો ગગડે તેવી શક્યતા છે.
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે કોની કરાઇ નિમણૂક?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરાઇ છે. ભારત સરકારના પૂર્વ નાણા સચિવ ડોક્ટર હસમુખ અઢીયાની મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં માર્ગ મકાન વિભાગના પૂર્વ સચિવ એસ.એસ રાઠૌરની સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી કરીને રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ નિમણૂંક કરી છે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ શ્રી ડૉ. હસમુખ અઢિયાની નિમણૂંક કરવામાં આવી છે.
ડૉ. હસમુખ અઢિયા ભારતીય વહીવટી સેવાના અધિકારી છે, તેઓ ભારત સરકારમાં કેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપી ૩૦ નવેમ્બર, ૨૦૧૮ના રોજ નિવૃત્ત થયા હતા. તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે. ડૉ. અઢિયા પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી અને ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ (GERMI) ના બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, બેંગલોરના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય તરીકે સેવાઓ આપે છે.