ગાંધીનગર: રાજ્યમાં ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 જુલાઈથી ફરી મન મૂકી ને મેઘરાજા વરસી શકે છે. હવામાન વિભાગના મતે 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. શુક્રવારથી દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 58 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 104 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 58 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 74 ટકા અને મધ્ય ગુજરાતમાં 47 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 33 ટકા વરસાદ વરસ્યો છે.
ખેડા જિલ્લામાં સોમવાર મધરાતથી વરસાદ શરૂ
ખેડા જિલ્લામાં સોમવાર મધરાતથી વરસાદ શરૂ થયો છે. ધીમીધારે વરસતા વરસાદથી બધા ખુશ ખુશાલ જોવા મળ્યા છે. જિલ્લામા સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. નડિયાદમાં બપોરે 12થી 2ના સમય દરમિયાન એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. નડિયાદના રબારીવાડ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, વરસાદની ગતી ઓછી થતાં આ પાણી ગણતરીના સમયમાં જ ઓસરી ચૂક્યા હતા. ખેડા જિલ્લામાં સવારે 6 થી સાંજે ચાર સુધી વરસેલા વરસાદની વાત કરીએ તો મહેમદાવાદમાં બે ઈંચ, નડિયાદમાં દોઢ ઈંચ, માતરમાં દોઢ ઈંચ, મહુધામાં દોઢ ઈંચ, કઠલાલમાં એક ઈંચ, ગળતેશ્વમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાંજના સમયે ખેડાના વસો, નડિયાદ, માતર અને મહેમદાવાદમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વસો અને મહેમદાવાદમાં તો બે- બે ઈંચ પાણી વરસી ચૂક્યું છે.