હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી 17થી 21 જૂન વચ્ચે ચોમાસાનો પ્રારંભ થઇ શકે છે. અમદાવાદમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસું સત્તાવાર રીતે બેસે તેની સંભાવના છે.
આજે સવારથી જ રાજ્યના ઘણા તાલુકામાં વરસાદ છે. સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 49 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ જૂનાગઢના માળીયામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, સુરત, અમરેલી સહિતના તાલુકામાં વરસાદ પડ્યો છે.
સુરતના ઉમરપાડામાં વરસાદી ઝાપટા પડ્યા છે. ઓલપાડ માંગરોળમાં વરસાદને કારણે રાજમાર્ગો પર પાણી ભરાયા છે. છેલ્લા થોડા દિવસથી વરસી રહેલા વરસાદને કારણે તાપમાનનો પારો નીચો જતાં ગરમીમાં રાહત મળી છે.
ભાવનગરમાં સાર્વત્રિક વરસાદ ખાબકયો છે. મહુવાના સિહોર, સોનગઢ,સણોસરા, અમરગઢ, આંબળા, જીથરી, નવા ગામ, વડાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો છે.