અમદાવાદ: સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.  રાજ્યના અલગ-અલગ શહેરોમા તાપમાન 38  ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું.  આ સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ વધતા બફારોનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમની દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે. આગામી બે દિવસ માટે સમગ્ર રાજ્યમાં હળવાથી લઈ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરથી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ પણ 14 મે એટલે કે આવતી કાલ સુધી વરસાદનું અનુમાન છે. 14 મે બાદ રાજ્યમાં ફરી એકવાર તાપમાન વધતા આકરી ગરમીનો અનુભવ થશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, જૂનાગઢ, રાજકોટ , અમરેલી , ગીર સોમનાથ , દિવ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ વરસશે. 

બુધવારે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા

14મી તારીખે બુધવારે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. રાજકોટ, જામનગર,  દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી  કરવામાં આવી છે.

ગુરુવારે આ જિલ્લાઓમાં પડશે વરસાદ

15મી મે ગુરુવારના દિવસે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. કચ્છમાં પણ આ સમય દરમિયાન વરસાદ વરસી શકે છે. 

આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  આગામી પાંચ દિવસમાં તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી વધશે.  સૌરાષ્ટ્ર તરફથી એક ટ્રફ પસાર થતું હોવાથી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદમાં  હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે.  

કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં

કમોસમી વરસાદના કારણે રાજ્યમાં કેરીના પાકમાં 50 અને તલના પાકમાં 40 ટકાનું નુકસાન થયાનો  અંદાજ છે.  પપૈયામાં 20, કેળામાં 15 અને ડાંગરના પાકને 15 ટકા નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. વરસાદ બંધ થયા બાદ સર્વેની કામગીરી શરૂ કરાશે. હાલ તો સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.