અમદાવાદ: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બે સિસ્ટમ રાજ્ય પર સક્રિય થઈ છે. જેના કારણે વરસાદ વરસી રહ્યો છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ત્રણ સિસ્ટમ સક્રિય
સોમવારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો. ત્રણ સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અરબ સાગરના ભાગોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. દક્ષિણના ભાગો પર ઓફ શોર ટ્રફ છે. આ કારણે સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે.
આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબીમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી માટે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ છે.
રાજ્યના 206 પૈકી 75 જળાશયો એલર્ટ પર
રાજ્યના 206 પૈકી 75 જળાશયો એલર્ટ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 52 જળાશયો હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા ભરાયેલા 11 જળાશયો એલર્ટ પર છે., તો 70થી 80 ટકા ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર છે. રાજ્યના 207 પૈકી 45 જળાશયો છલોછલ છે. સૌરાષ્ટ્રના 35, કચ્છના છ તો દક્ષિણ ગુજરાતના ચાર જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. કુલ 207 જળાશયોમાં હાલ 49.50 ટકા જળસંગ્રહ છે.
રાજ્યના કુલ 127 રસ્તાઓ બંધ થયા
ગુજરાતમાં મોનસૂન (monsoon)એક્ટિવ છે પરંતુ તેની પેર્ટન બદલાઇ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળ્યાં બાદ હવે ઉતર ગુજરાતમાં વરસાદ (rain) ધરાને ધરવી રહ્યો છે. જો કે ભારે વરસાદ કેટલીક જગ્યાએ આફત રૂપ બન્યો છે. ભાર વરસાદના કારણે અનેક ગામો વીજળી ગૂલ છે તો કેટલાક રસ્તા પણ બંધ છે. ભારે વરસાદના પગલે રાજ્યના કુલ 127 રસ્તાઓ બંધ થયા છે. જેમાં 9 સ્ટેટ હાઈવે અને 113 પંચાયતના રસ્તાઓનો સમાવેશ થાય છે. આ તમામ રસ્તાઓ ભારે વરસાદના કારણે ઠપ્પ છે.
ચોમાસાની સીઝનનો 55.04 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સીઝનનો 55.04 ટકા વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ કચ્છમાં 75.69 ટકા, તો સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 73.68 ટકા વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં 66.71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં સીઝનનો 34.68 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં ફક્ત 29.69 ટકા વરસાદ નોંધાયો છે.