અમદાવાદઃ જો તમારે લર્નિંગ લાઇસન્સ કઢાવવાનું હોય તો આ તમારા માટે મહત્વનાં સમાચાર છે. રાજ્ય સરકારે લર્નિંગ લાઇસન્સની કામગીરી ફક્ત આઇટીઆઇમાં જ કરવાનું નક્કી કર્યુ છે. આરટીઓમાં હવે લર્નિંગ લાઇસન્સની કામગીરી બંધ થશે. એક સપ્તાહ સુધી હજી આરટીઓમાં આ કામગીરી ચાલુ રહેશે પછી તે આઈટીઆઈમાં કરવામાં આવશે.

RTO પરથી કામગીરીનું ભારણ દૂર કરવા ITI માંથી કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. આ માટે ITIના સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવશે આ તાલીમ 11મી ઓક્ટોબરથી શરૂ થઈ જશે.

હાલ ITIના સ્ટાફને તાલીમ આપવામાં આવશે એ બાદ એક અઠવાડિયા પછી લર્નિંગ લાઈસન્સ અહીંથી ઈશ્યુ કરવામાં આવશે. આ કામગીરી માટે ITIને પ્રતિ લર્નિંગ લાઇસન્સ રૂ. 100 વળતર અપાશે, જેમાંથી ITIએ ઇન્સ્ટ્રક્ટર, આચાર્યનો પગાર ચૂકવવાનો રહેશે.

નવા નિયમ અનુસાર આરટીઓ દ્વારા હવે પછી કોઈપણ વાહનચાલકને જો લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ લેવું હશે તો સાથે સાથે ફરજિયાત પાકા લાઇસન્સની ફી પણ ભરી દેવી પડશે. તેના માટે વાહનચાલકે એન્ડોર્સમેન્ટ પ્રક્રિયા પૂરી કરવી પડશે. અત્યાર સુધી લર્નિંગ લાઇસન્સ માટે માત્ર રૂપિયા 150 જે વાહન ચાલકે ભરવાના થતા હતા, તેની સાથે હવે ફરજિયાત રૂપિયા 1050 પણ ભરી દેવા પડશે. આ નિયમના કારણે હવે પછી લાઈસન્સ કઢાવવા માટે કોઈપણ વાહન માલિક કે વાહનચાલકને રૂપિયા 1050 એક મહિનો વહેલા આપી દેવા પડશે. જો કોઈ પણ વ્યક્તિ પાસે ટુ વ્હીલરનું લાઇસન્સ હશે અને તેને રિક્ષા અથવા તો ફોર વ્હીલરનું લાઈસન્સ કઢાવવું હશે તો જે તે વાહનચાલક કે વાહનમાલિકને આ અંગે લાઈસન્સમાં ઉમેરો કરી અને ટેસ્ટ આપવો પડશે.