અમરેલી: વડીયાના એક વિદ્યાર્થીએ ક્વિઝ g3qમાં મુખ્યમંત્રીના હસ્તે 3 લાખનો પુરસ્કાર ચેક મેળવ્યો છે. વડીયામાં ચા ની હોટેલ ધરાવતા મધ્યમ વર્ગના નારીગરા પરિવારના પુત્રએ ક્વિઝમાં પ્રથમ સ્થાન  મેળવ્યું હતું. વડીયાની સુરવાળા સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીને મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા 3 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો. ઓનલાઈન ક્વિઝ g3qમા પ્રથમ નંબરે નારીગરા પરિવારના પુત્રે ઇનામ જીતી પરિવારનું ગૌરવ વધાર્યું છે. ચાની કીટલી ચલાવનારા પિતાનું અને પરિવારનું નામ જેનીશ નારિગરાએ ગુજરાતમાં પ્રથમ નંબર મેળવીને રોશન કર્યું છે.




અમદાવાદના આ જવેલર્સમાં કરોડો રૂપિયાના દાગીનાની લૂંટ


દિવાળીના તહેરવારને લઈને હાલમાં રાજ્યના દરેક શહેરમાં બજારમાં ભીડ જોવા મળી રહી છે. ગઈ કાલે ધનતેરસના દિવસે પણ લોકોએ મોટી માત્રામાં સોનાની ખરીદી કરી છે. આ ઉપરાંત દિવાળી બાદ લગ્નના તહેવારો માટે પણ લોકો સોનાની ખરીદી કરી રહ્યા છે. જો કે આ બધાની વચ્ચે એક ચોંકાવનારી ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદના મોટેરામાં આવેલા અંજલી જલેવર્સમાંથી કરોડો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી છે.


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર જવેલર્સમાં કામ કરતા કર્મચારીઓએ જ માલિકને બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો છે. જવેલર્સમાં રહેલ કરોડો રૂપિયાના દાગીના ચોરી કરી આરોપી ફરાર થઈ ગયો છે. મોડી રાત્રે આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. ચાંદખેડા પોલીસે ધટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.


દરિયામાં ડૂબી જવાથી 10મા ધોરણના વિદ્યાર્થીનું મોત


લાખણીના જસરાની શાળાનો વિદ્યાર્થીનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે.  દિવ ફરવા ગયેલો વિદ્યાર્થી નાગવા બીચ દરિયામાં ડૂબી ગયો હતો. અદ્વૈત વિદ્યામંદિર સ્કૂલના વિધાર્થીઓ જસરાથી દિવ પ્રવાસે ગયા હતા. 10માં ધોરણમાં અભ્યાસ કરતા ગર્વ ત્રિવેદીનું ડૂબી જવાથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અચાનક દરિયામાં ડૂબી જતા વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. હાલમાં વિદ્યાર્થીના મૃતદેહને વતન લાવવામાં આવ્યો છે. વિદ્યાથીનો દરિયામાં મોત પહેલાનો વીડિયો પણ સામે આવ્યો છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજતા અન્ય વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.


ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લીધો


ભાવનગર  શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરને કારણે વડવા ખડીયા કુવા પાસે આધેડનું મોત નીપજ્યું છે. ભાવનગરના દેવુબાગ નવજીવન સોસાયટીમાં રહેતા  પરેશ નારણભાઇ વાઘેલા નામના આધેડનું આજે મોત નિપજ્યું છે. પોતાના ઘરેથી વડવા વિસ્તારમાં દુકાને આવતા સમયે રખડતા ઢોરે  તેમને અડફેટે લીધા હતા. મનપાની ઢોર પકડવાની નબળી કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં અનેક લોકોના રખડતા ઢોરને કારણે મોત થયા છે. આ મામલે હાઈકોર્ટે પણ સરકારનો ઉધડો લીધો હતો. તેમ છતા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.