દ્વારકાઃ દ્વારકા મંદિર દ્વારા કોરોના ગાઇડલાઇનના પાલન સાથે જન્માષ્ટમી ઉત્સવ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર દ્વારકા મંદિર ખાતે કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવશે. દર્શનના નક્કી કરેલા કલાકો દરમિયાન ભક્તો મંદિરમાં ભગવાનના દર્શન કરી શકશે. મંદિર પરિસરમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જોકે, મંદિર પ્રશાસન દ્ધારા દર્શનાર્થીઓને ઓનલાઇન દર્શનનો લાભ લેવા માટે અપીલ કરવામા આવી છે.
શ્રી દ્વારકાધીશ દેવસ્થાન સમિતિએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે જન્માષ્ટમીના પર્વ પર નિયત કલાકો દરમિયાન દર્શનાર્થીઓ માટે મંદિર રાબેતા મુજબ ખુલ્લુ રહેશે. મંદિરમાં દર્શન માટે આવનારા તમામ ભક્તોએ કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાનું રહેશે.
બાડમેરમાં મિગ-21 પ્લેન ક્રેશ
ભારતીય એરફોર્સના મિગ-21 વિમાન રાજસ્થાનના બાડમેરમાં ક્રેશ થયું હતું. સૈન્ય પ્રવક્તા અમિતાભ શર્માએ કહ્યું હતું કે દુર્ઘટના બાદ પાયલટે પોતાને સુરક્ષિત રીતે વિમાનમાંથી ઇજેક્ટ કર્યું હતું. પ્રવક્તાએ કહ્યું કે, આ વિમાન ટ્રેનિંગ પર હતું. બાડમેરના પોલીસ અધિકારી આનંદ શર્માએ કહ્યું કે વિમાન ભૂરટિયા ગામ પાસે પડ્યું હતું.
તેમણે કહ્યું કે, વિમાન દુર્ઘટના થયાની ઘટનામાં કોઇને ઇજા પહોંચી હોવાના અહેવાલ નથી અને પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે. એરફોર્સે કહ્યું કે, આજે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે પશ્વિમી સેક્ટરમાં ટ્રેનિંગ માટે ઉડાણ ભરનારા મિગ-21 બાઇસન વિમાનમાં ટેક ઓફ બાદ ટેકનિકલ ખામી આવી હતી. પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. આ પાછળનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 160 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે. 155 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,091 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10079 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત 3, વડોદરા કોર્પોરેશનમાં 3, ભાવનગર 1, કચ્છ 1 અને સુરત કોર્પોરેશન 1 કેસ સાથે કુલ 14 કેસ નોંધાયા છે. આજે 25 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.