દાહોદઃ ફતેપુરા તાલુકાના મારગાળા ગામના 22 વર્ષીય પ્રેમીને પ્રેમ કરવો ભારે પડ્યો છે. સાગડાપાડા ગામની તેની પ્રેમિકાએ મોબાઈલ પર મેસેજ કરી મળવા બોલાવ્યો હતો. આથી તે ઘરેથી બાઇક લઈને યુવતીને મળવા માટે ગયો હતો. યુવતી સાથે ફરવા જતાં રાતે મોડું થઈ જતાં પ્રેમી બાઇક પર તેને ઘરે મૂકવા ગયો હતો. બીજી તરફ દીકરી રાત થવા છતા ઘરે પરત ન ફરતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. તેમજ યુવતીના પિતા તથા ભાઇ રસ્તામાં જ વોચ ગોઠવીને ઉભા રહી ગયા હતા. ત્યારે યુવાન તથા તેની સાથે આવેલા તેના મિત્રને માથામાં તથા શરીરે લાકડીઓના આડેધડ ફટકા મારતા પ્રેમી યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુખસર પોલીસ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 


 દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મારગાળાનો સંજયભાઇ રમસુભાઇ કીકલાભાઇ બારીયા ગાંધીનગર સેક્ટર 15માં  આર્ટ્સ કોલજમાં અભ્યાસ કરતો હતો. સંજયને સાગડાપાડાની યુવતી સાથે પ્રેમ સંબંધો હોઇ યુવતીએ તેને ફોન મેસજ કરી મળવા બોલવાતાં સંજય તથા મનીષભાઇ સમસુભાઇ બારીયા ફોઈના ઘરે જઉં છુ કહી મોટર સાયકલ લઇને ઘરેથી સાગળાપાડા ગયો હતો. 


સાગળાપાળા જઇ સંજય તેના ફોઇના છોકરા મેહુલને લઇ યુવતીના ઘર પાસે ગયા હતા. જ્યાં ઘરથી થોડે દૂર રોડ ઉપર યુવતી આવતાં ત્રણે જણા મોટર સાયકલ ઉપર બેસી થોડે દૂર ગયા હતા અને સંજયે પ્રેમિકા શિવાની સાથે થોડી વાર વાતચીત કરી પરત ઘરે મુકવા જતા હતા. તે દરમિયાન સાગડાપાડા ગામે પુલ પાસે આવતા શિવાનીના પિતા દિનેશભાઇ ફુલજીભાઇ ચરપોટ તથા ભાઇ શિવરાજ બન્ને જણા હાથમાં લાકડી લઇને ઉભા હતા. 


શિવાનીના પિતાએ સંજયના માથામાં લાકડી મારતાં મોટર સાયકલ ઉપર સવાર સંજય, મેહુલ તથા શિવાની ત્રણેય જણા પડી ગયા હતા. ત્યાર બાદ શિવાના પિતાએ અને ભાઇએ નીચે પડેલા સંજયને લાકડીઓ વડે માર મારતાં માથામાં ગંભીર જીવલેણ ઇજાઓ થતાં ગભરાયેલા હુમલાખોર પિતા-પુત્રએ કારમાં બેસાડી દાહોદના ખાનગી દવાખાને સારવાર માટે દાખલ કરાવ્યો હતો. ઘટનાની જાણ મેહુલે સંજયના ઘરે કરતાં પરિવારજનો તાત્કાલિક દાહોદ દવાખાને પહોંચી ગયા હતા. જોયેલ તો સંજયને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી અને બેભાન અવસ્થામાં હતો. ત્યાર બાદ મોડી રાત્રે સંજયનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેથી પરિજનોમાં રોષ જોવા મળ્યો હતો.  


આ  સંદર્ભે મૃતક સંજયના પિતા રમસુભાઇ કીકલાભાઇ બારીયાએ  સુખસર પોલીસ મથકે દિનેશભાઇ પુલજીભાઇ ચરપોટ તથા તેના પુત્ર શિવરાજ બન્ને વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પરિજનોએ આરોપીને સજા મળે તેવી માંગ કરી હતી.