Jignesh Mevani big announcement: ગુજરાતમાં પોલીસ પરિવારના મુદ્દે ચાલી રહેલા વિરોધ અને પોતાના વિરુદ્ધ યોજાયેલી રેલીઓ અંગે વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ આકરા શબ્દોમાં નિવેદન આપ્યું છે. તેમણે નાના પોલીસ કર્મચારીઓને સંબોધતા કહ્યું હતું કે તેઓ કોઈના હાથો ન બને.
મેવાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "અમે નાના પોલીસ કર્મચારીઓ માટે લડીએ છીએ. અમે જ પોલીસ કર્મચારીઓના પ્રશ્નોને વિધાનસભામાં અવાજ ઉઠાવીને રજૂ કરીએ છીએ." તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમના વિરુદ્ધ રેલીઓ કરવાથી તેમનું કંઈ જ બગડવાનું નથી, "મારા વિરુદ્ધ રેલી કરવાથી મારું પેટનું પાણી પણ નહીં હલે, તમને હજુ મારો જીગરો ખબર જ નથી," તેમ કહી તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
મેવાણીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં નાના કર્મચારીઓને ડરાવી-ધમકાવીને વિરોધ પ્રદર્શનો કરાવાય છે. તેમણે કહ્યું કે, "નાના કર્મચારીઓને સસ્પેન્ડ અને ટ્રાન્સફરની ધમકી આપીને વિરોધ કરાવવામાં આવે છે."
ડિપાર્ટમેન્ટની બહારનો વ્યક્તિ પોલીસને ન શીખવી શકે: DGP
ગુજરાતના પોલીસ વડા (DGP) એ ગઈકાલે કરાઈ ખાતે પોલીસ અકાદમીમાં યોજાયેલા અલંકરણ સમારોહમાં નામ લીધા વગર વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે પોલીસ વિભાગની કામગીરીમાં બહારના કોઈ વ્યક્તિનો હસ્તક્ષેપ ચલાવી ન લેવાય તેવો સ્પષ્ટ સંકેત આપ્યો હતો.
DGPએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ડિપાર્ટમેન્ટની બહારનો કોઈ વ્યક્તિ કહી ન શકે. જો કોઈ અધિકારી કે કર્મચારી ભૂલ કરશે, તો તેને નસીહત કરવા માટે અમે અને આ વિભાગ સક્ષમ છીએ."
તેમણે ઉમેર્યું હતું કે, પોલીસ વિભાગની આંતરિક બાબતોમાં બહારનો વ્યક્તિ બોલે તે ચલાવી લેવાશે નહીં. "જો ડિપાર્ટમેન્ટ બહારનો કોઈ વ્યક્તિ કહી જાય તો તે કંટ્રોલ કરવો પડે. ડિપાર્ટમેન્ટ બહારનો વ્યક્તિ બોલે તે ના ચલાવાય," તેમ કહી તેમણે પોતાના કર્મચારીઓ અને અધિકારીઓને સૂચના આપી હતી.
પોલીસ વડાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે થોડા દિવસો પહેલા જ ધારાસભ્ય મેવાણીએ પોલીસ કર્મચારીઓના પ્રશ્નો અને પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન અંગે આકરા નિવેદનો આપ્યા હતા.
મેવાણીના સમર્થનમાં કોંગ્રેસ મેદાને: દારૂ અને ડ્રગ્સ મુદ્દે પોલીસને આડે હાથ લીધી
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસને 'પટ્ટા ઉતારી લેવાના' વિવાદિત નિવેદન બાદ હવે કોંગ્રેસે તેમના સમર્થનમાં પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્યની પોલીસને આડે હાથે લીધી છે. વાવ થરાદ ખાતે આયોજિત સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ડ્રગ્સ અને દારૂના મુદ્દે આક્રમક રજૂઆત કરી હતી.
પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મેવાણીના 'પટ્ટા ઉતારવા'ના નિવેદનનો બચાવ કરતાં કહ્યું હતું કે, "જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે જો દારૂ અને ડ્રગ્સનું વેચાણ થતું હોય અને તમે કામગીરી નહીં કરો તો તમે સસ્પેન્ડ થશો, તેવી વાત કરી હતી." તેમણે થરાદના શિવનગરના રહીશોની રજૂઆત ટાંકતા ઉમેર્યું કે, દારૂ અને ડ્રગ્સના કારણે દર મહિને બે છોકરાઓ કેનાલમાં પડી આત્મહત્યા કરવા મજબૂર બન્યા હતા.
ગુલાબસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું કે, "આ મામલે ચાર વર્ષ પહેલાં પણ શિવનગરની મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો." તેમણે આક્ષેપ કર્યો કે એમડી ડ્રગ્સના મુદ્દે ગઈકાલે ભાજપ અને પોલીસ દ્વારા દુકાનો જબરજસ્તી બંધ કરાવી પ્રોત્સાહન અપાયું હતું.
કોંગ્રેસના નેતાઓએ અંતે ચેતવણી ઉચ્ચારી કે, "ડ્રગ્સ મામલે મોટી ઝુંબેશ ઉપાડવાની છે અને તેમાં કોઈ પણ અધિકારી હશે, તેમને છોડવામાં નહીં આવે." આ સાથે કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે દારૂ-ડ્રગ્સના વેચાણ પર પોલીસની નિષ્ક્રિયતા તેઓ ચલાવી લેશે નહીં.