જૂનાગઢ: જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ગઇકાલે બપોરના સમયે 1 વાગ્યા આસપાસ ઈમારત ધરાશાયી થવાની ઘટના બની હતી. જૂનાગઢના કડિયાવાડ નજીક દાતાર રોડ પરની ઇમારત ધરાશાયી થઇ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હજુ પણ કેટલાક લોકો ઇમારત નીચે દટાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને એનડીઆરએફની ટીમ દ્વારા હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
આ ઈમારત ધરાશાયી થવાની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશનમાં શરૂ કરવામાં આવ્યું હતું. મેયર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક લોકો પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા હતા. જેસીબીની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. 5થી વધારે 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે રાખવામાં આવી છે. જૂનાગઢના ડેપ્યુટી મેયરે મોટો આરોપ લગાવ્યો હતો. જર્જરિત મકાનો હટાવવામાં બેદરકારી રાખવામાં આવી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. નોંધનીય છે કે દટાયેલા લોકો ફોન કરીને મદદ માંગી રહ્યા છે.
જૂનાગઢમાં મકાન ધરાશાયી થતાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. JCB સહિત સ્થાનિકો પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા છે. 108 એમ્બુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી છે.
જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, NDRF, પોલીસ અને ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. JCBની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ સિનિયર અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાની પ્રાથમિકતા છે.
જૂનાગઢમાં આવ્યું હતું પૂર
જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરમાં ભયંકર પૂર આવ્યું હતું. શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા. શહેર આખુ બેટમાં ફેરવાયું હતું. જૂનાગઢ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. ગીરનાર પર્વત ઉપર 8 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.
જૂનાગઢ શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી હતી. શહેરના અનેક માર્ગોમાં લોકો વાહનો સાથે ફસાયા હતા. ધેધમાર વરસાદ ખાબકતા તળેટી પાણી-પાણી થઈ હતા. જૂનાગઢના ભૂતનાથ મંદિર નજીકના અનેક મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. જૂનાગઢ શહેરમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢમાં આવેલા ભયંકર પૂરના કારણે શહેરમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના પોશ વિસ્તારના બંગલાઓમાં પાણી ઘૂસી ગયા હતા. બંગલામાં પાર્ક કરવામાં આવેલી ગાડીઓ રમકડાની જેમ પાણીમાં તરતી જોવા મળી હતી.