Junagadh Panchayat seat rotation: જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં એક મોટો અને ઐતિહાસિક બદલાવ આવ્યો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો અને વિવિધ તાલુકા પંચાયતો માટે નવું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા અંતર્ગત પ્રથમ વખત 27% OBC અનામતની અમલવારી કરવામાં આવી છે. આ નવા માળખા મુજબ, જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠકોમાંથી 8 બેઠકો અન્ય પછાત વર્ગ (OBC) માટે અને કુલ 15 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. આ નિર્ણયથી ઘણા દિગ્ગજ નેતાઓની બેઠકો પર જોખમ ઉભું થયું છે અને રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે.

Continues below advertisement


જૂનાગઢ જિલ્લા પંચાયત: બેઠકોનું ગણિત


જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકોની ફાળવણી નવા રોટેશન મુજબ નીચે પ્રમાણે રહેશે:


સામાન્ય (જનરલ): 18 બેઠકો (જેમાંથી 9 મહિલાઓ માટે અનામત)


OBC (અન્ય પછાત વર્ગ): 8 બેઠકો (જેમાંથી 4 મહિલાઓ માટે અનામત)


SC (અનુસૂચિત જાતિ): 3 બેઠકો (જેમાંથી 2 મહિલાઓ માટે અનામત)


ST (અનુસૂચિત જનજાતિ): 1 બેઠક (પુરુષ ઉમેદવાર માટે)


મહત્વની બેઠકોની સ્થિતિ:


સામાન્ય: કેશોદની અજાય, ભેંસાણ, માણાવદરની કોડિદા, મેંદરડા અને માળીયા હાટીનાની ગડુ બેઠક સામાન્ય જાહેર થઈ છે.


સામાન્ય મહિલા: માળીયાની અમરાપુર ગીર, વંથલીની થાનસા ગીર અને જૂનાગઢની મજેવડી બેઠક મહિલાઓ માટે અનામત થઈ છે.


SC/OBC: વડાલ બેઠક SC માટે, જ્યારે જુથળ, કાલસારી અને મુળીયાસા બેઠકો OBC ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે.


કયા દિગ્ગજ નેતાઓને થશે અસર?


રોટેશન બદલાતા ઘણા પ્રસ્થાપિત નેતાઓના ગણિત બગડ્યા છે:


મુકેશ કણસાગરા (ઉપપ્રમુખ): તેમની શાપુર બેઠક હવે અનામત થઈ હોવાથી તેમણે નવી બેઠક શોધવી પડશે.


હરેશ ઠુંમર (પ્રમુખ): મેંદરડા બેઠક પરથી જીતેલા વર્તમાન પ્રમુખ માટે મુશ્કેલી છે, કારણ કે આ બેઠક હવે 'સામાન્ય મહિલા' માટે અનામત થઈ ગઈ છે.


વિપુલ કાવાણી: વિસાવદરની સરસઈ બેઠક પણ સામાન્ય મહિલા માટે અનામત થતાં પૂર્વ ઉપપ્રમુખે વિકલ્પ શોધવો પડશે.


તાલુકા પંચાયતોમાં પણ મોટો ઉલટફેર


જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં પણ બેઠકોના સમીકરણો બદલાયા છે:


કેશોદ (28 બેઠકો): અહીં 8 બેઠકો OBC માટે અને કુલ 14 બેઠકો મહિલાઓ માટે અનામત છે. એટલે કે અડધી સત્તા મહિલાઓના હાથમાં રહેશે.


માંગરોળ (28 બેઠકો): કેશોદની જેમ જ અહીં પણ 8 OBC અને 14 મહિલા અનામત બેઠકો છે.


વિસાવદર (26 બેઠકો): 7 બેઠકો OBC અને 13 મહિલા અનામત.


માણાવદર (26 બેઠકો): 7 બેઠકો OBC અને 13 મહિલા અનામત.


માળીયા હાટીના (24 બેઠકો): 6 બેઠકો OBC અને 12 મહિલા અનામત.


વંથલી (22 બેઠકો): 6 બેઠકો OBC અને 11 મહિલા અનામત.


ભેંસાણ (18 બેઠકો): 5 બેઠકો OBC અને 9 મહિલા અનામત.


મેંદરડા (16 બેઠકો): 4 બેઠકો OBC અને 8 મહિલા અનામત.


મહિલા શક્તિનો ઉદય અને રાજકીય ગરમાવો


આ નવા રોટેશનની સૌથી મોટી વિશેષતા મહિલા સશક્તિકરણ છે. પંચાયતી રાજમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત થતાં આગામી ચૂંટણીમાં મહિલા નેતૃત્વનો દબદબો જોવા મળશે. આ જાહેરાત સાથે જ રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે અને ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા છે.