જૂનાગઢમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, માળીયા હાટીનાનું આછીદ્રા ગામ ફેરવાયું બેટમાં

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 228 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં 16 ઇંચ અને વાપીમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 01 Sep 2021 10:20 PM
જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદ

આ અગાઉ જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના માળિયા હાટીના તાલુકાનું આછીદ્રા ગામ બેટમાં ફેરવાયું હતું. ગામના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા.દસ ઈંચ વરસાદથી માંગરોળ, માળિયા,ચોરવાડ વિસ્તાર જળબંબાકાર થયો હતો. ચોરવાડમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે. ચોરવાડમાં 7 ઈંચથી વધુ વરસાદ વરસતા ગામ પાણી-પાણી થયું હતું.

માંગરોળના ફરંગટા ગામમાં ઘરોમાં ઘૂસ્યા પાણી

માંગરોળ તાલુકાના ફરંગટા ગામમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગામના મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. માંગરોળ તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબકતા અનેક ગામો પાણી ભરાયા હતા.

ગીર સોમનાથની હિરણ નદી બે કાંઠે વહેતી થઇ

ગીર સોમનાથમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા હતા. જિલ્લાના તાલાલા, ઉના, વેરાવળ, ગીર ગઢડા,કોડીનાર અને સૂત્રાપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાલાલા તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબકતા અનેક ગામો જળબંબાકાર થયા હતા. ભારે વરસાદને લઈ હિરણ નદી બે કાંઠે વહેતી થઈ હતી.

રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદ

રાજકોટ જિલ્લોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલ, જામકંડોરણા, લોધિકા, કોટડાસાંગાણી, જસદણ, જેતપુર અને પડધરી સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી ગોંડલના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા.  ધોધમાર વરસાદને લઈ ગોંડલનો આશાપુરા ડેમ છલકાયો હતો. ગોંડલના ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાતા એક કાર ફસાઈ ગઈ હતી.

અમરેલી અને પોરબંદરમાં પણ સાર્વત્રિક વરસાદ

અમરેલી અને પોરબંદર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લાના જાફરાબાદ, બાબરા,વડીયા, રાજુલા, ખાંભા, બગસરા, ધારી અને લાઠી તાલુકામાં વરસાદ વરસ્યો હતો. બાબરા તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા ગામની બજારોમાં પાણી ભરાયા હતા.

બ્રેકગ્રાઉન્ડ

ગાંધીનગરઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 228 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં 16 ઇંચ અને વાપીમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ જૂનાગઢના માંગરોળમાં નવ ઇંચ અને વિસાવરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો.


સમગ્ર રાજ્યમાં આગામી બે દિવસ ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનું હવામાન વિભાગનું અનુમાન છે. ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.