જૂનાગઢ: ધારાસભ્ય સંજય કોરડીયાએ જૂનાગઢની મેડિકલ કોલેજની અચાનક મુલાકાત લેતા અફરાતફરી મચી ગઈ હતી. મેડિકલ કોલેજની મુલાકાત દરમિયાન અનેક ક્ષતિઓ પ્રકાશમાં આવી હતી. ખાસ તો કર્મચારીઓ ગેરહાજર હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા, જેને લઇ ધારાસભ્યએ મેડિકલ કોલેજના જવાબદાર સતાધીશોને કડક શબ્દોમાં સૂચનાઓ આપી હતી. 


 



આ ઉપરાંત જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ફરી તેઓ આ મુજબ જ અણધારી મુલાકાત લેશે. તે દરમિયાન આ પ્રકારના કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે બાબતે તાકીદ કર્યા હતા. મહત્વનું છે કે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા આ પહેલા સરકારી હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. તે દરમિયાન અનેક કર્મચારીઓ ગેરહાજર હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા અને સિવિલ સુપ્રિટેન્ડન્ટને કડક શબ્દોમાં સૂચના આપતા હોવાનો વિડિયો પણ ચર્ચાનો વિષય બન્યો હતો.


સુરતની યુવતી સાથે છેતરપિંડી


સુરતમાં પુણાગામ ખાતે રહેતી યુવતીએ લોકરક્ષકની ભરતી પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેના ડોક્યુમેન્ટ પણ વેરિફાઈ થઈ ગયા હતા. પરંતુ કોઈ અજાણ્યાએ યુવતીના કન્ફર્મેશન નંબર અને રજિસ્ટર મોબાઈલ નંબરના ઓટીપીનો ઉપયોગ કરીને બારોબાર તેનું ફોર્મ રદ્દ કરી પરત ખેંચી લેતા તેણીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરતા યુવતીના ભાઈની ગર્લફ્રેન્ડ જ આરોપી નીકળતા પરિવાર ચોંકી ગયો હતો. સાયબર પોલીસે તેણીની ધરપકડ કરી હતી.


પુણાગામ ખાતે રાધાસ્વામી સોસાયટીમાં રહેતી 20 વર્ષીય અસ્મીતા છગનભાઈ કાતરીયા મુળ અમરેલીની વતની છે. તેને સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે કાપોદ્રા ખાતે જે.ડી. ગાબાણી કોલેજમાં બી.કોમમાં અભ્યાસ કરે છે. વર્ષ 2021-22ની લોકરક્ષક દળમાં ભરતીની જાહેરાત બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી હતી. આથી અસ્મિતાએ પણ તેનું ફોર્મ ભરીને સબમીટ કર્યું હતું. આ ફોર્મમાં તેના ભાઈનો મોબાઈલ નંબર રજિસ્ટર કર્યો હતો. ત્યારબાદ તારિખ 4 જાન્યુઆરી 2022ના રોજ પ્રેક્ટિકલ પરીક્ષા માઉન્ટેડ પોલીસ ગ્રાઉન્ડ પોપટપરા જેલની પાસે રાજકોટ શહેર ખાતે યોજાઈ હતી જે પ્રેક્ટિકલ પરીક્ષામાં અસ્મિતા પાસ થઈ હતી.


ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવતા તારિખ 9 સપ્ટેમ્બર 2022 ના રોજ પોલીસ તાલીમ સેન્ટર ગાંધીનગર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા હતા. ત્યારબાદ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવા માટે ઓજશ ઉ૫૨ એપ્લીકેશન મુકવામાં આવી હતી. જેમાં ઓટીપી બેઝ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યા બાદ જ ફોર્મ પાછા ખેંચી શકાય છે. કોઈ અજાણ્યાએ એલઆરડી ગુજરાત 2021.ઇન ઉપરથી લોકરક્ષક ભરતી પ્રક્રિયામાંથી આગળના તબક્કાઓ માટે ઉમેદવારી રદ્દ કરવા અને પસંદગી માટેના હક્કને જતો કરવા અરજી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી તેમાં અરજીનો કન્ફર્મેશન નંબર લખી અસ્મિતાના નામની વિગતો લખી બનાવતી સહી કરી હતી અને ગઈ 8 ઓક્ટોબર 2022 ના રાત્રે અસ્મિતાના કન્ફર્મેશન નંબરનો ઉપયોગ કરી રજિસ્ટર મોબાઈલ નંબર પરથી ઓટીપી મેળવી લઈ તેમની ઉમેદવારી રદ ક૨વા અરજી અપલોડ કરી ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. 


આ અંગે જાણ થતા અસ્મિતા કાતરિયાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તપાસ થતાં જે વ્યકિતનું નામ સામે આવ્યું તે જોઈને અસ્મિતા અને તેનો પરિવાર ચોંકી ગયો હતો. તપાસ દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસે આરોપી જાગૃતિ નારણભાઈ પાંડવ (ઉ.વ.૨૨, રહે. રાધા સ્વામી સોસાયટી, પુણા ગામ, મુળ મહુવા ભાવનગર) ની ધરપકડ કરી છે. આરોપી જાગૃતિ અસ્મિતાના ભાઈની ગર્લફ્રેન્ડ હોવાની વાત સામે આવી છે. બંને યુવતીઓએ સાથે પરીક્ષા આપી હતી. જેમાં અસ્મિતાએ પરીક્ષા પાસ કરી હતી અને જાગૃતિ ફેઈલ થઈ હતી. અસ્મિતા આગળ વધી જશે તેવા વિચારે જાગૃતિએ આ કાવતરૂ કર્યું હતું.