જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આવેલ સ્વામીનારાયણ મંદિરના સ્વામી ગોપાલચરણને બ્લેકમેલ કરનાર એક યુવતી અને ત્રણ યુવકોની માંગરોળ પોલીસે ધરપકડ કરી છે. જૂનાગઢ માંગરોળ સ્વામી બ્લેકમેઈલિંગ કેસમાં પોલીસે અમદાવાદથી 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ સ્વામી ગોપાલચરણને ખોટા નામ આપ્યા હોવાની
આશંકા છે.


જૂનાગઢના માંગરોળમાં સ્વામિનારાયણ સાધુએ બિભત્સ વીડિયો ક્લિપ બતાવી બ્લેકમેઇલ કર્યાની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર જૂનાગઢના માંગરોળમાં ગોપાલચરણ સ્વામીએ બ્લેકમેઈલની ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં તેમણે જણાવ્યું કે, અમદાવાદની હનીબની હોટલમાં લલચાવી ફોસલાવી તેમની યુવતી સાથેની વીડિયો ક્લિપ ઉતારવામાં આવી હતી. બાદમાં આ વીડિયો ક્લિપને લઇને બ્લેકમેઇલ કરી 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગોપાલચરણ સ્વામીને લલચાવી ફોસલાવીને અમદાવાદની હનીબની હોટલમાં બોલાવવામાં આવ્યા હતા. બાદમાં યુવતી અને સ્વામી અંગત પળોની વીડિયો ઉતારી લેવામા આવ્યો હતો. સ્વામીને ફસાવવા માટે આરોપીઓએ પ્લાન અનુસાર સોનલ વાઘેલા, નિકુંજ પટેલ અને ચેતન નામ ધારણ કર્યા હતા. યુવતીએ માંગરોળના સ્વામીને નાણાં નહિ આપે તો વીડિયો ક્લિપ વાયરલ કરી બળાત્કારની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી હતી.