Visavadar By-Election Star Campaigners: ગુજરાતમાં આગામી 19 જૂને ગુજરાતમાં બે વિધાનસભાન કડી અને વિસાવદરમાં પેટાચૂંટણી યોજાશે, જેને લઇને તમામ પક્ષોએ તૈયારી આરંભી દીધી છે. મહત્વનું છે કે, આ વખતે વિસાવદર બેઠક પર પહેલીવાર રસાકસીભર્યો ત્રિપાંખીયો જંગ ખેલાઇ રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષોના મજબૂત ચહેરો મેદાનમાં ઉતર્યા છે. પાટીદારોની બેઠક ગણાતી વિસાવદરમાં હવે આયાતી ઉમેદવારનો મુદ્દો જબરદસ્ત રીતે ગરમાયો છે. અહીં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ટિકીટ આપતા આયાતી ઉમેદવારનો લઇને રાજકારણ ગરમાયુ છે. ભાજપ અને કોંગ્રેસ બન્નેના ઉમેદવારો સ્થાનિક હોવાથી આપને આ મુદ્દે ઘેરી રહ્યા છે.
વિસાવદર બેઠક પરની પેટાચૂંટણીમાં રસાકસીભર્યો જંગ જામ્યો છે, ભાજપે કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસે નીતિન રાણપરીયાને ટિકીટ આપી છે, પરંતુ આ બધાની વચ્ચે આપે બહારથી આવેલા ઉમેદવારને મેદાનમાં પહેલાથી જ ઉતારી દીધા છે. આપે ગોપાલ ઇટાલિયાને ટિકીટ આપીને બધાને ચોંકાવ્યા છે. હવે આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો આપ તૂટી પડ્યા છે. તાજેતરમાં જ કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયાએ એક પ્રચારસભા દરમિયાન આપ પર આરોપો લગાવ્યા છે કે, આપે અહીં બહારનો આયાતી ઉમેદવાર ઉતાર્યો છે, જેને જનતા નહીં સ્વીકારે. કોંગ્રેસ સતત આયાતી ઉમેદવારનો મુદ્દો ઉઠાવી રહી છે, નીતિન રાણપરિયાએ કટાક્ષ સાથે જણાવ્યું, 'વિસાવદરની જનતા આયાતી ઉમેદવાર નહીં સ્વીકારે', આ બેઠક પર ગોપાલ ઈટાલિયા અને કિરીટ પટેલ બંને ભાજપના જ છે. વિસાવદરની જનતા ભાજપ-આપના ઉમેદવારને ઓળખે છે. રાણપરિયાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપે હર્ષદ રિબડીયાને ટિકિટ કેમ ના આપી.
આગામી 19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે. આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે.
કોણ છે નીતિન રાણપરિયા ? નીતિન રાણપરિયા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે, આ સિવાય વિસાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે. નીતિન રાણપરિયાને પહેલીવાર કોંગ્રેસે વિધાનસભા બેઠકની ટિકિટ આપી છે. તેઓ વિધાનસભાની પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે.
કોંગ્રેસે વિસાવદર બેઠક પરથી નીતિન રાણપરિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ હવે પેટા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 40 જેટલા કોંગ્રેસ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, મુકુલ વાસનિક, જગદીશ ઠાકોર, ગેની ઠાકોર, પરેશ ધાનાણી, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, જીગ્નેશ મેવાણી, અમીબહેન જ્ઞાનિક, લાલજી દેસાઈ, મધુસુદન મિસ્ત્રી, શૈલેષ પરમાર, ઇમરાન ખેડાવાલા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, બળદેવજી ઠાકોર અને લલિત વસોયા સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.