આણંદ: ખંભાતમાં થયેલ કોમી રમખાણો બાદ હજુ પણ અંજપાભરી સ્થિતિનો માહોલ છે. સોમવારે મોડી સાંજે મીરા સૈયદઅલીની દરગાહ પાસે કોંમ્બિગ દરમિયાન ટોળાંએ પોલીસ પર હુમલો કરતાં ચાર જવાનોને ગંભીર ઈજા પહોંચી હતી. જેને લઈને આજે હિન્દુ સમાજે બંધનું એલાન આપ્યું છે. બંધના એલાનના પગલે મોટી સંખ્યામાં લોકો ટાવર ચોક પાસે એકઠાં થયા હતા અને જોરદાર વિરોધ કર્યો હતો. ખંભાતમાં થયેલ રમખાણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.


પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવા માટે ખંભાત પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. રેપિડ એક્શન ફોર્સની ટીમને પણ ખંભાતમાં ઉતારવામાં આવી છે. પોલીસ ખંભાતમાં પેટ્રોલિંગ કર્યું હતું જોકે આજે ઘમી જગ્યાએ સળગાવ્યાના બનાવો જોવા મળ્યાં હતાં. ખંભાતના તમામ સ્કૂલ-કોલેજો અને બજારો બંધ રહ્યા હતા.

ખંભાતના અકબરપુર સહિત વિવિધ વિસ્તારોમાં તોફાનો ફાટી નીકળ્યાં હતા. રવિવારે બપોરે જૂની અદાવતને પગલે બે કોમના ટોળાં સામ-સામે આવી ગયા હતા. જેમાં બે કોમનાં ઘરોમાં પથ્થરમારો કરી તોડફોડ અને આગચંપી કરી હતી.

જોકે સોમવારે આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં SOGના હેડ કોન્સ્ટેબલ નહસિંહભાઈ ઘાયલ થયા હતા. ગેસ ગોડાઉન વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની હતી.