ખેડાની ઠાસરા વેપારી મંડળ ક્રેડિટ સોસાયટી વિવાદમાં આવી છે. જે સભાસદોએ સહકારી બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી  તેમને સોનાની ખરાઈ માટે બોલાવાતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. 


વર્ષો પહેલા સભાસદોને ગોલ્ડ લોન લીધી હતી. હવે બેંકના ધ્યાને આવ્યું કે, કેટલાક અરજદારોનું સોનું વજન કરતા ઓછુ છે.  કેટલાક અરજદારોનું સોનું નકલી છે. આવા 32 અરજદારોને સોનાની ખરાઈ માટે બોલાવવામાં આવ્યા હતા. જેને લઈને વિવાદ સર્જાયો છે.  અરજદારોએ સવાલ ઉઠાવ્યો કે, જો સોનું ઓછું જમા કરાવ્યું હોય અથવા નકલી હોય તો લોન આપતી વખતે કેમ ખરાઈ ન કરાઈ..?


સમગ્ર મામલે પાંચ અરજદારોએ બેંકના ચેરમેન, વાઈસ ચેરમેન, મેનેજર સહિતના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જેમાં આરોપ લગાવાયો છે કે, બેંકના જવાબદારોએ વેલ્યૂઅર સાથે મળી કૌભાંડ આચર્યું છે.  બેંકના વાઈસ ચેરમેનનું કહેવું છે કે, વેલ્યૂઅર અને અરજદારોએ મળીને કૌભાંડ આચર્યું છે. 


મહિલાએ કૂવામાં મોતની છલાંગ મારી, પોલીસકર્મીએ કૂવામાં કૂદી મહિલાનો જીવ બચાવ્યો


વડોદરાના કોયલીમાં IOCL કંપની દ્વારા જમીન સંપાદનની કામગીરી વખતે સ્થાનિક મહિલાએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન મહિલાએ  20 ફૂટ ઉંડા કૂવામાં મોતની છલાંગ મારી હતી. આ સમયે ત્યાં હાજર પોલીસ કર્મચારીએ  એક પણ ક્ષણનો વિચાર કર્યાં વગર કૂવામાં કૂદી મહિલાનો જીવ બચાવી લીધો હતો. 


વડોદરાના કોયલી વિસ્તારમાં IOCL કંપની દ્વારા જમીન સંપાદનની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન વળતરને લઇને સ્થાનિક લોકોએ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જેથી ત્યાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સમયે એક મહિલા ખૂબ રોષે ભરાઈ હતી અને તે 20 ફૂટથી વધુ ઊંડા કૂવામાં કૂદી જીવ દેવાનો પ્રયાસ કર્યો હતો. 


ત્યાં હાજર પોલીસ કોન્સ્ટેબલે એક પણ ક્ષણનો  વિચાર કર્યા વગર મહિલાને બચાવવા માટે કૂવામાં કૂદી તેમને જીવ બચાવ્યો હતો.  ભારે જહેમત બાદ મહિલાને કૂવામાંથી બહાર કાઢી હતી. આ સમયે મહિલા કોન્સ્ટેબલ કલ્પનાબેનન લાખાભાઇ અને સોનિયાબેન પ્રદિપભાઇ અને PSI ચાવડાએ પણ મહિલાને બહાર કાઢવામાં મદદરૂપ થયા હતા.


બંદોબસ્ત રહેલા હેડ કોન્સ્ટેબલ રાજેશ ભાઈએ કૂવામાં કુદી મહિલાને બચાવી લીધી હતી. એસીપી આર.ડી.કવા દ્વારા કોન્સ્ટેબલને પ્રોત્સાહિત કરાયા હતા. કોન્સ્ટેબલ રાજેશભાઇને એવોર્ડ મળે તે માટે ઉપલા અધિકારીઓને રજુઆત કરાશે તેમ એસીપી આર.ડી.કવાએ જણાવ્યું હતું.