Kinjal Dave: ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીતના વિવાદમાં લોકગાયિકા કિંજલ દવેને સિવિલ કોર્ટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેશન્સ કોર્ટે આ ગીત ગાવા બદલ કિંજલ દવેને એક લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો હતો. કિંજલ દવેએ કોર્ટમાં બિનશરતી માફી માંગી હતી. કોર્ટે સાત દિવસમાં એક લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો.


અગાઉ, સિવિલ કોર્ટે કિંજલ દવેને ‘ચાર-ચાર બંગડીવાળી ગાડી’ ગીતના કોપીરાઈટ વિવાદ મુદ્દે તેને કોઇપણ રીતે લાઇવ, પબ્લિક ડોમેન કે સોશિયલ મીડિયામાં ગાવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો. તેમ છતાં કિંજલ દવેએ ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા સહિતના લાઈવ પરફોર્મન્સ કરતા તેની વિરુદ્ધ કોર્ટના આદેશનો તિરસ્કાર મુદ્દે રેડ રીબન એન્ટરટેઈમેન્ટ પ્રા.લિ તરફથી કોર્ટમાં અરજી કરાઈ હતી. જેમાં કોર્ટે કિંજલ દવેને એક લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો હતો. અને 7 દિવસમાં રૂપિયા નહીં ચૂકવાય તો સાત દિવસની સાદી કેદ ભોગવવા કોર્ટે નિર્દેશ આપ્યા છે.


રેડ રીબન એન્ટરટેઈમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તરફથી અરજી કરી કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ‘ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત’ને લઇ ફરિયાદી પાસે કોપીરાઈટ હક્કો છે અને આ ગીતના શબ્દો, ગીત અને તેના ગાવા-વગાડવા પર તેમનો અધિકાર છે તેમ છતાં કિંજલ દવેએ આ ગીત ગાયુ જેના કારણે ફરિયાદીને ભરપાઇ ના થઈ શકે તેવું નુકસાન થયું છે.


સિટી સિવિલ સેશન્સ જજ ભાવેશ અવાશિયાએ કિંજલ દવેને કોર્ટના આદેશનો તિરસ્કાર મુદ્દે સાત દિવસમાં ફરિયાદીને 1 લાખ રૂપિયાનો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કિંજલ દવેને આ ગીત લાઇવ, પબ્લિકમાં કે સોશિયલ મીડિયામાં ગાવા પર સિવિલ કોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમ છતાં ગત નવરાત્રિમાં કિંજલ દવેએ આ ગીત કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયામા લાઇવ પરફોર્મન્સ કર્યુ હતું. કિંજલ દવેએ કબૂલ્યું હતું કે તેણે નવરાત્રિ 2023માં 20થી 25 વખત આ ગીત ગાયું છે. કિંજલ દવેએ બચાવ કર્યો કે, તેણે આ ગીત ભારતની બહાર ગાયું છે તેથી કોર્ટનો પ્રતિબંધ તેવા કિસ્સામાં લાગુ ના પડે. કોર્ટે તેના આ બચાવને ફગાવતાં  બિનશરતી માફી મંગાવી હતી.


જોકે કોર્ટે કહ્યું હતું કે કિંજલ દવેએ હજારો લોકો સામે આ ગીત ગાયું છે અને પૈસા કમાવ્યા છે માટે માફી યોગ્ય નથી. કોર્ટે કિંજલ દવેને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો અને જો તે સાત દિવસમાં નહી ચૂકવે તો સાત દિવસની સાદી કેદ ભોગવવાના પણ કોર્ટે નિર્દેશ આપ્યા હતા.