કમોસમી વરસાદથી થયેલા નુકસાન પર રાજનીતિ શરૂ થઈ હતી. સહાય પેકેજ મુદ્દે કિસાન સંઘ, આપ અને કોંગ્રેસે અલગ-અલગ માંગ કરી હતી. સહાય પેકેજ મુદ્દે કિસાન સંઘની 18થી 28 હજાર હેકટરદીઠ સહાયની માંગ કરી રહ્યા છે. તો ગોપાલ ઈટાલિયાએ હેકટર દીઠ 50 હજારની સહાયની માંગ કરી હતી. ઈટાલિયાએ દાવો કર્યો હતો કે 50 હજારની સહાય ચૂકવે તો ચાલીને સરકારનો આભાર માનીશ. કોંગ્રેસના નેતા ધાનાણીએ આટલી સહાયમાં કંઈ ન થવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસના ધાનાણીનો ખેડૂતોને વીઘા દીઠ 52 હજારનો ખર્ચનો દાવો કર્યો હતો. કોંગ્રેસે વીઘા દીઠ 50 હજારથી વધુની સહાય ચૂકવવા માંગ કરી હતી.
કમોસમી વરસાદમાં ખેડૂતોની વેદનાને વાચા આપવા મેદાનમાં આવેલા પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ટ્વિટ કર્યું હતું. ધાનાણીએ લખ્યું હતું કે "જગતના તાતને જીવવા દેજો" ખેતીવાડી ખાતાની સલાહ, કૃષિ તજજ્ઞાના અભિપ્રાય તેમજ ખેડૂતોની કોઠાસૂઝથી કાઢેલા પ્રાથમિક અંદાજો મુજબ. ખરીફ 2025 ની મોસમ દરમિયાન વાવેતર કરેલી કપાસની વિઘા દીઠ ઓછામાં ઓછો અંદાજીત ઉત્પાદન ખર્ચ 18370 રૂપિયા તથા પ્રાથમિક ઉતારાના અંદાજો મુજબ વિઘા દીઠ સરેરાશ 20 મણ ઉપજની ટેકાના ભાવે કિંમત 31640 ગણાય છે.
વધુમાં ધાનાણીએ લખ્યું હતું કે આમ કમોસમી માવઠાની મોકાણથી સરેરાશ ખેડૂતોને કુલ અંદાજીત 50010 જેટલું પાક નુકશાન થયું હોવાનો અંદાજ છે. ખેડૂતોને વિઘા દીઠ નુકસાનીનું અધિકારીક વળતર મળવું જોઈએ કે પછી 8000 રૂપિયાની સરકારી ભીખ.
કૃષિ પાકોને નુકસાન મુદ્દે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કૃષિમંત્રી અને કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નુકસાની અંગે કૃષિ વિભાગ મુખ્યમંત્રીને પ્રાથમિક રિપોર્ટ સોંપશે. પ્રાથમિક રિપોર્ટના આધારે મુખ્યમંત્રી અધિકારીઓ સાથે ચર્ચા કરશે. ખેડૂતોને કરવાની સરકારી મદદ અંગે બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે.
તે સિવાય રાજકોટ જિલ્લામાં ખેતી પાકને નુકસાન થયું છે. રાજકોટ જિલ્લામાં સર્વેની કામગીરી મહદઅંશે પૂર્ણ થઈ છે. 4.30 લાખ હેક્ટરમાં નુકસાનીનો અંદાજ લગાવવામાં આવ્યો છે. 102 કર્મચારીની ટીમે સહાયની કામગીરી કરી હતી. સૌથી વધુ મગફળી અને કપાસના પાકને નુકસાન થયુ છે. 600થી વધુ ગામમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી. સર્વેની કામગીરી પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સોંપ્યો હતો.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ખેતી પાકને નુકસાન થયું હતું તેને લઈને રાજકોટ જિલ્લાના ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો. ખેડૂતોએ એકર દીઠ 50 હજારની સહાય આપવાની માંગ કરી હતી. ખેડૂતોએ કહ્યું કે AAP કે કૉંગ્રેસ સહાય મુદ્દે રાજનીતિ ન કરે.