Attack on Gujarat Congress MLA: વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર બે દિવસ પહેલા સાંજે હુમલો થયો હતો. ખેરગામ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા તે સમયે ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. ખેરગામ બજારમાં ધારાસભ્યની કાર પર અને ધારાસભ્ય પર હુમલો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. જેમાં ધારાસભ્ય લોહિ લુહાણ થયા હતા.  આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.  


જેને લઈ નવસારીના ખેરગામ પોલીસ  સ્ટેશન હદ વિસ્તારમાં 144 લાગુ કરવામાં આવી છે. ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલ હુમલા બાદ શાંતિ સલામતી માટે અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગતરોજ પ્રેદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા પરવાનગી વગર અચાનક ધરણાં પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ધરણાં ઉપર બેસેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોને ડિટેઇન કરવા જતાં ફરી વાતાવરણ ગરમાયુ હતું. જીગ્નેશ મેવાણી દ્વારા આજે નવસારી આવવાની જાહેરાત કરવામાં આવી છે.
ખેરગામમાં આગામી 9 દિવસ માટે ચાર થી વધુ લોકોને ભેગા થવા, રેલી સરઘરસ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


કોને મળશે છૂટ


સરકારી કાર્યક્રમો, લગ્નનો વરઘોડા, સ્મશાન યાત્રા, મંદિર, મસ્જિદ, દેવળમાં પ્રાર્થના માટે જતા લોકોને લાગુ પડશે નહીં.




દુકાનમાં તોડફોડ અને આગ ચંપીની બની હતી ઘટના


ધારાસભ્ય પર હુમલા બાદ રાત્રે ખેરગામમાં અંદાજિત 5000 હજારથી વધુ લોકો એકઠા થયા હતા અને ટોળાએ જીલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીરની દુકાનમાં તોડફોડ અને આગ ચંપી  કરી હતી. બહેજ ગામમાં અનંત પટેલ જ ચાલે તેવો ગરબો ગાવામાં આવ્યો હતો અને આ વેળાનો વીડિયો પણ મોટાપાયે વાયરલ થયો હતો અને તે મામલે વિવાદ પણ સર્જાયો હતો. જોકે વિવાદ બાદ વીડિયો વાયરલ કરનારે પણ માફી માગી હતી. એક ચર્ચા એવી પણ આવે છે કે બહેજમાં ગરબામાં ગવાયેલા ગીતને લઈને હુમલો કરવામાં આવ્યો હતો. જોકે કોણે અને કેમ હુમલો કર્યો તે અંગે હજુ કોઈ સતાવાર રીતે કારણ સામે આવ્યું નથી. 


રઘુ શર્માએ શું કહ્યું હતું


કોંગ્રેસના ધારાસભ્ય પર થયેલા હુમલાને લઈ ગુજરાત પ્રભારી રઘુ શર્માએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, અનંત પટેલ પર નહી આદીવાસી સમાજ પર હુમલો થયો છે. પાર તાપી લીક આંદોલનની આગેવાની અનંત પટેલે લીધી હતી. ભાજપના શીર્ષ નેતૃત્વના ઇશારે હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના હુમલાઓથી કોંગ્રેસ ના ડરશે, ના ઝુકશે.