koli community support: સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને તેમના સમર્થનમાં ૪૦ જેટલા લોકો સામે થોડા દિવસો પહેલા નોંધાયેલી ફરિયાદના પડઘા હવે રાજ્યભરમાં પડી રહ્યા છે. તાલાળા કોળી સમાજ અને સુરતના ધેડિયા કોળી સમાજે ધારાસભ્યના સમર્થનમાં આવેદનપત્ર પાઠવીને ફરિયાદ પાછી ખેંચવાની માંગ કરી છે.
તાલાળા કોળી સમાજના લોકોએ સોમનાથ નજીક ગુડલક સર્કલ પાસે દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન ધારાસભ્ય વિમલ ચુડાસમા અને અન્ય ૪૦ લોકો પર નોંધાયેલી રાયોટિંગ અને ફરજમાં રૂકાવટની ફરિયાદ પાછી ખેંચવા માટે મુખ્યમંત્રીને સંબોધીને તાલાળા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
તો બીજી તરફ, સુરતમાં પણ વિમલ ચુડાસમા સામેની ફરિયાદના પડઘા પડ્યા હતા. પ્રભાસ પાટણ સોમનાથ ખાતે થોડા દિવસો પહેલા શંખ સર્કલ પર દબાણ હટાવવાની કામગીરી દરમિયાન વિરોધ કરી રહેલા વિમલ ચુડાસમા સહિત ૪૦ લોકો સામે રાયોટિંગ, ફરજમાં રૂકાવટ અને હુમલાની કલમ લગાવવામાં આવી છે. આ મામલે સુરતના ધેડિયા કોળી સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં વિમલ ચુડાસમા સહિત ૪૦ લોકો સામે થયેલા કેસ તાત્કાલિક પાછા ખેંચવાની માંગ કરવામાં આવી હતી. એટલું જ નહીં, કોળી સમાજે આ કેસને ખોટો ગણાવીને ખોટા કેસ કરનાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી.
સોમનાથમાં દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ૧૫ની અટકાયત થઈ હતી
સોમનાથમાં રેલવે સ્ટેશન સામે આવેલી સરકારી જમીન પરથી દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન વિરોધ પ્રદર્શન થતાં પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને અન્ય ૧૪ લોકોની અટકાયત કરી હતી. દબાણ હટાવવાની કાર્યવાહીનો વિરોધ કરવા મોટી સંખ્યામાં લોકો સોમનાથ-વેરાવળ હાઈવે પર બેસી ગયા હતા, જેના કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો અને ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.
પ્રશાસન દ્વારા તે દિવસે દબાણ હટાવવાની તૈયારી કરવામાં આવતા અનેક ઝૂંપડા અને અન્ય ગેરકાયદેસર બાંધકામો દૂર થવાની ભીતિથી લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આકરો વિરોધ નોંધાવ્યો હતો. ખાસ કરીને ગુડલક સર્કલ નજીક ગેરકાયદેસર જમીન પર દબાણ હટાવવા ગયેલા અધિકારીઓ સામે મહિલાઓ અને શ્રમજીવી પરિવારોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
આ ઘટનાને પગલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વેરાવળના મામલતદારે આ ફરિયાદ નોંધાવી હતી, જેમાં રાયોટિંગ (હુલ્લડ), ફરજમાં રુકાવટ અને પોલીસ પર હુમલા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. આ ઘટના દરમિયાન એક પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના એએસઆઈ હિરેન ઝાલાને માથામાં ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય એક પોલીસ કર્મચારીને પણ મૂંઢ માર વાગ્યો હતો. બંને ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓએ સારવાર લીધી હતી.
પોલીસે આ મામલે વિમલ ચુડાસમા સહિત ૧૫થી વધુ લોકોની અટકાયત કરી હતી, જ્યારે ૩૦થી વધુ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ૧૫ વ્યક્તિઓ પર નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જ્યારે ૪૦થી વધુના ટોળા પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા સોમનાથ નજીક દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે ધારાસભ્ય વિમલ ચુડાસમા અને તેમના સમર્થકોએ તેનો વિરોધ કર્યો હતો, જેના પગલે પોલીસ દ્વારા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. હવે કોળી સમાજ દ્વારા આ ફરિયાદને રાજકીય કિન્નાખોરીથી પ્રેરાયેલી ગણાવીને તેને પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.