કોળી સમાજના નેતા અને પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયાને તેમના જ સમાજે મોટો ઝટકો આપ્યો છે. આજે દેશભરના કોળી સમાજના આગેવાનોએ સુરતના કામરેજ ખાતે કરેલી બેઠકમાં કુંવરજી બાવળીયાને સમાજમાંથી સસ્પેન્ડ કરવા માટે ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો અને આ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આ અંગે કુંવરજીએ પોતાનો જવાબ આપ્યો છે.


કુંવરજીને સમાજમાંથી સસ્પેન્ડ કરાયાઃ
અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનોની બેઠક કામરેજ ખાતે મળી હતી અને આ બેઠકમાં પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયાને અખિલ ભારતીય કોળી સમાજમાંથી સસ્પેન્ડ કરવા માટે ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં દેશભરના કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. કુંવરજી બાવળીયા સામે આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેઓ કોળી સમાજની વિરુદ્ધ જઈને કામગીરી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોળી સમાજના કાર્યક્રમમાં પણ કુંવરજી બાવળીયા હાજર રહ્યા નથી. 


કુંવરજી બાવળીયાએ શું કહ્યું?
એબીપી અસ્મિતાએ આ અંગે કુંવરજી બાવળીયા સાથે વાતચીત કરી હતી. કુંવરજીએ પોતાના અખિલ ભારતીય કોળી સમાજમાંથી સસ્પેન્ડ કરવા મુદ્દે કહ્યું કે, "હાલના પ્રમુખ અજીત પટેલ બિન કાયદેસર રીતે પ્રમુખ બનીને બેઠા છે. તેમને મને સસ્પેન્ડ કરવાની કોઈ સત્તા જ નથી. મને સમાજે બેસાડ્યો છે અને હું સમાજનો નેતા છું અને રહીશ. હાલ અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી બિન કાયદેસર છે અને હાલ આ કોર્ટ મેટર છે. તેમને મને સસ્પેન્ડ કરવાનો કોઈ અધિકાર નથી. સમાજ નક્કી કરશે કે કુંવરજી સમાજના નેતા બની રહે કે નહી. મેં કોળી સમાજ સામે કોઈ કામગીરી નથી કરી અને સમાજને સાથે લઈને ચાલ્યો છું. સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત ના રહેવાના આક્ષેપનો જવાબ આપતાં કુંવરજીએ કહ્યું કે, "સમય અને અનુકુળતા મુજબ હાજર ના પણ રહી શકું એ ઈચ્છાની વાત છે."