કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમના વિરુદ્ધ વધુ એક જમીન કૌભાંડ મામલે સીઆઇડીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભૂજની સરકારી ખરાબાની જમીન ગેરકાયદે રીતે ખાનગી વ્યક્તિને વેચી નાખ્યાના આરોપ સાથે CIDમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.                                  




કચ્છના પૂર્વ કલેક્ટર અને સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા સામે વધુ એક જમીન કૌભાંડ અંગે ભૂજ સીઆઈડી ક્રાઈમ બોર્ડર ઝોન પોલીસ મથકે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભૂજ શહેરના મામલતદાર કલ્પનાબેન ગોંદિયાએ પૂર્વ કલેક્ટર, તત્કાલિન નિવાસી નાયબ કલેક્ટર અને ભૂજના સંજય છોટાલાલ શાહ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.


પ્રદીપ શર્મા અને તત્કાલિન નિવાસી નાયબ કલેક્ટરે ભૂજની સરકારી ખરાબાની કરોડોની જમીન ગેરકાયદેસર ખાનગી પાર્ટીને વેચ્યાનો આરોપ છે.  સરકાર સાથે વિશ્વાસઘાત કરી સ૨કા૨ને આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાના આરોપ સબબ ઈપીકો કલમ ૪૦૯, ૨૧૭, ૧૨૦-બી, ૧૧૪ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૭ (સી) હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.


મામલતદારે નોંધાવેલી ફરિયાદમાં આરોપ મુકવામાં આવ્યો છે કે પ્રદીપ શર્માએ મે 2003થી જૂન 2006 દરમિયાન કચ્છમાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. 14 ઓગસ્ટ 2003ના રોજ ભૂજના સંજય છોટાલાલ શાહે રેવન્યૂ સર્વે નંબર 709 પૈકીની પાંચ કર 38 ગુંઠા ખેતીની જમીન ખરીદી હતી. આ ખેતરના માલિક વાસુદેવ રામદાસ ઠક્કર અને કુંજલતાબેન મધુકર ઠક્કર હતા અને તેમના પાવરદાર રાજેશ પ્રેમજી ઠક્કર પાસેથી સંજયે જમીન ખરીદી હતી. આ જમીનને અડીને ભૂજના સરકારી ખરાબાની 1.38 એકર જમીન આવેલી હતી.                    


સંજય શાહની માંગણી અનુસંધાને તત્કાલિન મામલતદારે હકારાત્મક દરખાસ્ત તૈયાર કરી તત્કાલિન નાયબ કલેક્ટરને મોકલી હતી. તત્કાલિન નાયબ કલેક્ટરે ભૂજ વિસ્તાર વિકાસ મંડળના અભિપ્રાય સાથે હકારાત્મક દરખાસ્ત એક જાન્યુઆરી 2004ના રોજ કલેક્ટરને મોકલી હતી.


9 એપ્રિલ 2004ના રોજ તત્કાલિન કલેક્ટર પ્રદીપ શર્માના અધ્યક્ષસ્થાને મળેલી જમીન મૂલ્યાંકન સમિતિની બેઠકમાં શર્માએ સંજય શાહને સરકારી જમીન લાગુની જમીન તરીકે કરી આપતો હુકમ કર્યો હતો. સમિતિના સભ્ય તરીકે તત્કાલિન નિવાસી નાયબ કલેક્ટર અને નગર નિયોજક પણ બેઠકમાં હાજર હતા.