નખત્રાણાઃ ખાતરના ભાવ વધારાને લઈને નખત્રાણાના ખેડૂતની ઓડીયો કલીપ વાયરલ થઈ છે. નખત્રાણાના ખેડૂતે કેંદ્રીય મંત્રી રૂપાલાને ખાતરના ભાવ વધારા અંગે ફોન પર સવાલ કરી મૂંઝવી નાખ્યા હતા. રૂપાલાએ ફોન પર ખેડૂતને ખાતરના ભાવ મુદ્દે જવાબ દેવાનું ટાળ્યું હતું. ખેડૂતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને કહ્યું તમને ખોબે ખોબે મત આપ્યા, હવે ભાવ વધ્યો તેનું શું?
ઓડિયો ક્લિપમાં ખેડૂત કહી રહ્યો છે કે, સાહેબ હું નખત્રાણાથી સાવન ઠક્કર વાત કરું છું. સાહેબ હું પોતે ખેડૂત છું. જ્યારે ચૂંટણી હતી ત્યારે તમે નખત્રાણા આવ્યા હતા ત્યારે તમારા ઈન્ટરવ્યૂ મેં સાંભળ્યા હતા. તમે કહેતા હતા કે, ખાતરમાં ભાવ વધારા પર કૉંગ્રેસ રાજકારણ કરે છે, ખાતરમાં કોઈ ભાવ વધારો થયો નથી. સાહેબ, ખાતરમાં તો ભાવ વધારો લાગું પડી ગયો. સાહેબ, ચૂંટણી માટે જ ભાવ વધારો બાકી રાખ્યો હતો ને. ચૂંટણી પછી તો ભાવ વધારો લાગુ પડી ગયો.
ખેડૂત કહી રહ્યો છે કે, ભાવ વધારો તો લાગું પડી ગયો હવે અમારે ક્યાં જવું?, ત્યારે તો તમે, મનસુખ માંડવિયા, આરસી ફળદુ કહેતા હતા કે કોઈજ પ્રકારનો ભાવ વધારો લાગુ નહીં પડે, આ કૉંગ્રેસ રાજકારણ રમી રહી છે. ગુજરાતમાં કૉંગ્રેસ ક્યાંય ના આવી, બધે ભાજપ છવાઈ ગયું, હવે અત્યારે ભાવ વધારો લાગુ પડ્યો તો ખેડૂત કોની પાસે જશે? જોકે, ખેડૂતના એક પણ સવાલનો જવાબ આપવાનું પરસોત્તમ રૂપાલાએ ટાળ્યું હતું. આ ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થઈ રહી છે.