Rain News: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા વરસાદથી દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે તબાહી સર્જાઇ છે. સૌથી વધુ નુકસાન અને અસર નવસારી જિલ્લાને પહોંચી છે. જિલ્લામાં 9 ઇંચથી વધુ પડેલા વરસાદથી ત્રણેય મોટી નદીઓ ગાંડીતૂર બની છે અને તેના પાણી અનેક ગામોમાં ઘૂસ્યા છે, લોકોને હાલ સ્થળાંતર કરવા મજબૂર બનવું પડ્યુ છે. અત્યારની સ્થિતિ પ્રમાણે ભારે વરસાદ કારણે નવસારી જિલ્લાના હાલ બેહાલ બન્યા છે. 


તાજા અપડેટ પ્રમાણે, નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકામાં ભારે વરસાદ ખાબક્યો છે, ખેરગામ તાલુકામાં 9 ઇંચ, તો ધરમપુર, વલસાડ અને ડાંગ તાલુકાઓમાં 7-7 ઇંચ વરસાદથી સ્થિતિ વિકટ બની છે. વરસાદી પાણી ભરાતા ચીખલી તાલુકામાંથી 181 લોકોએ સ્થળાંતર કર્યુ છે. ગણદેવીના 18 વિસ્તારમાંથી સ્થળાંતર પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત અહીંથી 966 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વાંગણ ગામમાંથી 1200 પ્રવાસીને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. લીલાપોર ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જિલ્લાના ધરમપુર, કપરાડા અને વલસાડ તાલુકાઓની શાળામાં આજે રજા જાહેર કરવામાં આવી છે. બીલીમોરા-અમલસાડને જોડતા બ્રિજના પિલ્લર પાણીમાં ગરકાવ થયા છે. 


દક્ષિણ ગુજરાતમાં વરસાદથી ભારે તબાહી - 
ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વલસાડ શહેર અને એની આજુબાજુમાં હાલ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે, વલસાડ ખાતે આવેલી ઓરંગા નદીની નજીકના વિસ્તારો જેવા કે કાશ્મીરાનગર, તળિયા વાળ, ભરૂડિયા વાળ તથા હનુમાન ભાગડા વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. હાલ લોકો પોતાના ઘરોમાં જ બેસીને પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યાં છે. વલસાડની ઓરંગા નદીના પ્રવાહ હાલ શહેર તરફ ફરી આગળ વધી રહ્યાં છે. ઓરંગા નદીએ એની સીમાઓ ઓળંગીને હવે ફરી શહેર તરફ પ્રયાણ કર્યું છે, જેને લઇને ઘણા ઘરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઇ છે તો રસ્તાઓ પણ હાલ નદી સાથે ભળી ગયા હોય તેવી સ્થિતિએ દેખાઈ રહી છે. હાલ ઓરંગા નદીનું ભૈરવી ખાતેનું જે સ્તર છે તે પણ ઓછુ નથી થઇ રહ્યું. 


ગુજરાત સહિત 5 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જારી કર્યું રેડ એલર્ટ


ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ હવામાન અંગે તાજું એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગ અનુસાર મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગ, રાજસ્થાનના પૂર્વી ભાગ, ગુજરાત, કોંકણ ક્ષેત્ર, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આઈએમડીના હવામાન વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારનું કહેવું છે કે ચોમાસું તેના સક્રિય તબક્કામાં આવી ગયું છે. તેમણે મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગ, રાજસ્થાનના પૂર્વી ભાગ, ગુજરાત, કોંકણ ક્ષેત્ર, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં અત્યધિક વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે આગામી બે દિવસ દિલ્હીમાં વરસાદ નહીં થાય. તેમણે આગળ જણાવ્યું કે આવનારા દિવસોમાં કેરળ, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો અને તમિલનાડુમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત, આવનારા દિવસોમાં ઉત્તર પૂર્વ ભારતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમણે આગળ કહ્યું કે જ્યારે ચોમાસું તેની નજીકની સ્થિતિમાં આવશે ત્યારે દિલ્હીમાં હળવો વરસાד થઈ શકે છે.


ગુજરાતમાં 5 ઓગસ્ટે ભારે વરસાદ પડશે


હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં ભારે વરસાદનો દોર બીજા દિવસે સોમવારે પણ ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાત રીજનના નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 5 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત રીજનના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.