IMD Weather Update: રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર દક્ષિણપશ્ચિમ- પશ્ચિમના પવન ફૂંકાશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. આગામી 3 દિવસ બાદ 2 થી 3 ડીગ્રી તાપમાન વધી જશે. આગામી 7 દિવસમાં મહતમ તાપમાન 40 થી 44 ડીગ્રી રહેવાની શક્યતા છે. અમદાવાદનું મહતમ તાપમાન 41 ડીગ્રી આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.
ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં બે વખત વરસેલા વરસાદના કારણે કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભારતમાં દિવસના તાપમાનમાં (મહત્તમ) 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની અને દેશના ઘણા ભાગોમાં ફરીથી હીટવેવને લઈ આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી
રાજ્યના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતના આગામી મે મહિનાના હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે. તેમના મતે, મે મહિનામાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે અને આંધી (ધૂળના તોફાન) સાથે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી સમયમાં, ખાસ કરીને તા. ૩૦ એપ્રિલ થી ૮ મે, ૨૦૨૫ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું વરસી શકે છે. અખાત્રીજ આસપાસના સમયગાળામાં પણ વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે.
આ માવઠા અને હવામાનના પલટાની અસર અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ વિસ્તારોના વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે. આ ઉપરાંત, અંબાલાલ પટેલે અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાની પણ આગાહી કરી છે. તેમના મતે, તા. ૨૫ મે થી ૪ જૂન, ૨૦૨૫ વચ્ચે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની સંભાવના છે. જોકે, આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર મુખ્યત્વે પાકિસ્તાન પર થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
આમ, હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ, મે મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં આંધી સાથે વરસાદ અને માવઠાની શક્યતા છે, જેનાથી ગરમીથી થોડી રાહત મળી શકે છે. તેમજ મેના અંતમાં અરબ સાગરમાં સિસ્ટમ બનવાની પણ શક્યતા તેમણે દર્શાવી છે. ખેડૂતો અને નાગરિકોને હવામાનના આ બદલાવ અંગે સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે.