અમદાવાદ : રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી સાત દિવસ હળવાથી લઈ માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 26 થી 29 ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. પાંચ દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાનું સૂચન હવામાન વિભાગે આપ્યું છે.

આજે આ જિલ્લામાં ખાબકશે વરસાદ

આજે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આજે હવામાન વિભાગે વરસાદની ચેતવણી આપી છે.

કાલે આ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન

આવતીકાલે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ, બોટાદ, ભાવનગર, પોરબંદર, દ્વારકા અને રાજકોટમાં સામાન્યથી લઈ ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ક્યાંક સામાન્ય તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે.  રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. આ વરસાદી માહોલથી ખેડૂત પણ ખુશખુશાલ છે.   

રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે. અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે. 23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.

એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય

એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે. ગુજરાતમાં 28મી જુલાઈ સુધી આખા ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. 25થી 28મી જુલાઈ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનને જોડતી એક સિસ્ટમ તથા મોન્સૂન ટ્રફને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસે હવામાનની આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં 28મી જુલાઈ સુધી આખા ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, 25થી 28મી જુલાઈ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.