રાજ્યમાં આજથી ગરમીમાં વધારો થવાની શક્યતા છે. ઉત્તરના ગરમ પવનની અસરથી હાલ રાજ્યમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ આજથી ગરમીમાં વધારો થશે તેવી હવામાન વિભાગની આગાહી છે.


બુધવારે અમદાવાદ સહિત 12 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રી નોંધાયો હતો. તો પાંચ શહેરોનું તાપમાન 37 ડિગ્રીને પાર રહ્યું છે. રાજ્યમાં 37.8 ડિગ્રી સાથે મહુવા સૌથી ગરમ અને 10.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2.8 ડિગ્રી વધીને 36.8 ડિગ્રી રહ્યું હતું.

હવામાન વિભાગ આ પહેલા જ ગરમીને લઈને પૂર્વાનુમાન જાહેર કરી ચૂક્યું છે. જે પ્રમાણે ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપસમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતા જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.

ઉલ્લેખનીય છે કે માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતના શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જોકે, હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.