નડિયાદઃ નડિયાદના વસો પોલીસે પકડેલા દારૂની ચોરી કરીને બુટલેગરને વેચવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ સ્ટેશનાના ક્વાર્ટર્સમાંથી દારૂની પેટી ચોરી કરવાના ગુનામાં પોલીસ સ્ટેશનના જ ડ્રાઇવરના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ સ્ટેશનનો ડ્રાઇવર શબ્બીરકાન પઠાણ દારૂની પેટીઓ ચોરીને બુટલેગરને વેચતો હતો.

આ અંગેની વિગતો એવી છે કે, વસો પોલીસ સ્ટેશનનો ડ્રાઈવર શબ્બીરખાન ગત તા.26મીની સવારે પોલીસ ક્વાર્ટસમાંથી 36 નંગ વિદેશી દારુ ચોરી રતનપુરના બુટલેગરને વેચવા જતા પોલીસે રંગેહાથ ઝડપી પાડયો હતો. તેની સામે ચોરી અને પ્રોહીબીશનો ગુનો નોંધી 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.



રિમાન્ડ દરમિયાન તેની આકરી પુછતાછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેણે જણાવ્યું હતું કે તે જે દિવસે તેની નાઈટશીપ હોય તે નાઈટ પુરી કર્યા બાદ વહેલી સવારે પોલીસ ક્વાર્ટસ રુમ નં.15માં મુકેલ દારુની કેટલીક પેટીઓ ચોરી લેતો અને રતનપુર તેમજ મહુધાના કેટલાક ઈસમોને વેચતો હતો. પોલીસે આ પ્રકરણમાં રતનપુરના સંદિપ ઉર્ફે નરીયો સુરેશ સીસોદીયાને તથા મહુધાના ઈરશાદ કાલુ મલેકને દબોચી લીધો હતો. રિમાન્ડ પુરા થતા કોર્ટે તેને જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો.



આ પ્રકરણમાં રતનપુરના ભરત ઉર્ફે મુન્નો તેજસિંહ પરમારની હજુ ધરપકડ બાકી છે. આ કેસમાં મહુધાના વધુ બે થી ત્રણ ઈસમોના નામ ખુલવાની શક્યતા છે. શબ્બીર ખાને ગત દોઢ મહિનામાં ૧૬ લાખ ઉપરાંતનો વિદેશી દારુ વેચી નાંખ્યો હોવાનું કબુલ્યું છે. આવતી કાલે 4 નવેમ્બરે તેના 10 દિવસના રિમાન્ડ પુરા થતા તેને કોર્ટમાં રજુ કરાશે.

આ પ્રકરણમાં પોલીસે એક ગાડી કબજે કરી છે અને હજુ મહુધાના કેટલાક ઈસમોના નામ ખુલવાની શક્યતા સેવાઈ રહી છે.