ગાંધીનગર:  ગુજરાત રાજ્યના પોલીસ વડાના આદેશ અન્વયે ગુજરાત પોલીસે કુલ- ૭૬૧૨ ગુનાહીત પ્રવૃતિઓ ધરાવતા ઇસમોની યાદી તૈયાર કરી છે.  યાદીમાં   ૩૨૬૪ બુટલેગરો, ૫૧૬ જુગાર, ૨૧૪૯ શરીર સબંધી, ૯૫૮ મિલકત સબંધી, ૧૭૯ માઇનિ અને ૫૪૫ અન્ય અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખીને તેમના ગેરકાયદેસર દબાણો, ગેરકાયદેસર વીજ જોડાણો, શંકાસ્પદ આર્થિક વ્યવહારો, તેઓના અનઅધિકૃત નાણાંકીય વ્યવહારોની તપાસ કરાશે. 


સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેરમાં ૨૫, ગાંધીનગરમાં ૬, વડોદરા શહેરમાં ૨, સુરતમા ૭, મોરબીમાં ૧૨ એમ, કુલ ૫૯ લોકો સામે પાસા કરેલ છે, ૧૦ ઇસમો વિરુધ્ધ હદપાર કરી છે.  ૭૨૪ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલાં લેવાયા છે. ૧૬ ગેરકાયદેસર મકાનોમાં ડીમોલેશન કરાયા છે.  ૮૧ વીજ ચોરીના ગેરકાયદેસર કનેક્શન દૂર કરાયા છે.  આગામી સમયમાં આશરે ૧૦૦ પાસા, ૧૨૦ હદપારી, ૨૬૫ અટકાયતી પગલાં, ૨૦૦ જેટલા ડીમોલેશન અને ૨૨૫ જેટલા ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરાશે. 


આ સમયગાળા દરમ્યાન કોમ્બીંગ, નાઈટ પેટ્રોલીંગ, રેઈડ, વાહન ચેકીંગ, ફુટ પેટ્રોલીંગ, ગુનેગારોના જામીનમાં શરતભંગ થયેલ હોય તેવા કિસ્સામાં જામીન રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. 


ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે એક મોટું પગલું ભર્યું


રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે એક મોટું પગલું ભર્યું હતું. તેમણે આગામી ૧૦૦ કલાકની અંદર રાજ્યભરના તમામ અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા માટે આદેશ આપ્યો હતો. આ માટે તેમણે તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં લેવાયેલા આ નિર્ણય અંતર્ગત, પોલીસ વડાએ અસામાજીક તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ યાદીમાં વારંવાર શરીર સંબંધી ગુનાઓ, ખંડણી, ધાક-ધમકી, મિલકત સામેના ગુનાઓ, દારૂ-જુગારના ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો તેમજ જનતામાં ભય ફેલાવનારા તત્વોનો સમાવેશ થવો જોઈએ.


અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ


રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટતાપૂર્વક સૂચનાઓ આપી હતી. જેમાં આ તત્વોએ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તો તેવા બાંધકામને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા, સરકારી જમીન ઉપર દબાણ કરેલુ હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદેસર વીજ કનેકશન ધ્યાને આવે તો GUVNL સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી  કરવી, આવા તત્વોના બેન્ક એકાઉન્ટની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદેસરનું કૃત્ય જણાય આવે તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. તે ઉપરાંત આવા તત્વો સામે દાખલ થયેલા ગુનાઓમાં જામીન ઉપર છુટયા પછી અન્ય કોઇ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસા અને તડીપાર જેવી અસરકારક જોગવાઇઓનો ઉપયોગ કરવા સહિત ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી.


વિકાસ સહાયે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને આ કાર્યવાહી પર અંગત ધ્યાન આપવા આદેશ આપ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.