Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50%થી વધુ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે. પ્રથમ તબક્કામાં તારીખ 1લી ડિસેમ્બરે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓના અડધાથી વધારે એટલે કે 13,065 મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે.


મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં કુલ 25,430 મતદાન મથકોમાં મતદાન યોજાશે. તે પૈકીના 13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે.


મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-19, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાંથી આ તમામ 13,065 મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવશે. આ મોનિટરિંગ રૂમમાં 42 જેટલા અધિકારીઓ મતદાન સવારે 8:00 વાગે શરૂ થાય તે પૂર્વેથી મતદાન મથકોના વેબકાસ્ટિંગ પર સતત નજર રાખશે. છ જેટલા ઉચ્ચ અધિકારીઓ રાજ્ય કક્ષાના આ મોનિટરિંગ રૂમમાંથી વેબકાસ્ટિંગ દ્વારા મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખશે. 


સવારે 6.30 વાગ્યાથી મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાર સુધી સતત અવલોકન ચાલુ રહેશે. પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાનો એક મોનિટરિંગ રૂમ કાર્યરત કરાશે. જે તે જિલ્લાના મતદાન મથકોના લાઈવ વેબકાસ્ટિંગનું આ જિલ્લા કક્ષાના મોનિટરીંગ રૂમમાં નિરીક્ષણ થતું રહેશે. મતદાન પ્રક્રિયા દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાય અને સમગ્ર પ્રક્રિયા સરળતાથી ચાલે તે હેતુથી કેન્દ્રીય અનામત દળો, પોલીસ સ્ટાફ અને માઈક્રો ઓબ્ઝર્વર્સ તહેનાત હોય છે. વધુમાં, લાઈવ વેબકાસ્ટિંગથી આ તમામ વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ થશે.


આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન


આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠક પર સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે. ભાજપ-કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત 788 ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં કેદ થશે. મતદાનને લઇને ચૂંટણી પંચે તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. 25 હજાર 430થી વધુ મતદાન મથક પર 2 કરોડ 39 લાખથી વધુ લોકો મતાધિકારીઓ ઉપયોગ કરશે.


આવતીકાલે 10 મંત્રી સહિત અનેક મહારથીઓનું ભાવિ EVMમાં કેદ થશે. સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠક પરથી અનેક દિગ્ગજો મેદાને છે. સરકારમાં પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકી, છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા કુંવરજી બાવળિયા, મોરબીમાં પુલ દુર્ઘટનામાં બચાવકાર્ય કરીને ચર્ચામાં આવેલા કાંતિલાલ અમૃતિયા, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા, તો, ગોંડલથી ગીતા બા જાડેજાના ભાવિ ઇવીએમમાં કેદ થશે. તે સિવાય AAPના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવી, AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, તેમજ AAP નેતા અલ્પેશ કથિરિયાના ભાવિ પણ આવતીકાલે નક્કી થશે.