ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે.
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે.
તમામ છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 1 ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 6 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 8 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે તો 9 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.
રાજયની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે .મતદાન માટે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય નક્કી કરાયો છે.
જો કોઈ બેઠક પર પુનઃ મતદાનની જરુર પડે તો 22 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. 23 ફેબ્રુઆરીએ તમામ 6 મહાનગરપાલિકાની મતગણતરી હાથ ધરાશે.
કોરોના કાળમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજય ચૂંટણી પંચ ટૂંક સમયમાં SOP જાહેર કરશે.
નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ જાહેરનામુ પ્રસિદ્ધ કરાશે. 13 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ રહેશે. 15 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે..16 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યાનો રહેશે. પુનઃ મતદાનની જરુર પડે તો 1 માર્ચના દિવસે યોજાશે. 2 માર્ચના દિવસે મતગણતરી હાથ ધરાશે.
વિધાનસભાની ચૂંટણીના સેમિફાઈનલ સમાન ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાજનીતિ ગરમાઈ છે.. મનપા અને જિલ્લા-તાલુકા, નગરપાલિકાની મતગણતરીની અલગ અલગ તારીખો નક્કી કરાતા કૉંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે..
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jan 2021 05:22 PM (IST)
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -