સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતના ત્રણ એવા જિલ્લા છે જ્યાં કોરોનાનો હજુ એક પણ કેસ નોંધાયો નથી તેમાં જૂનાગઢ જિલ્લાનું પણ નામ છે જ્યાં એક પણ કેસ નોંધાયો નથી પરંતુ અમુક છૂટછાટ હોવાને કારણે કેશોદમાં લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરાં ઉઠ્યાં હતાં જેની એક તસવીર સામે આવી છે જ્યાં ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યાં હતાં.


જૂનાગઢના કેશોદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનાં લીરેલીરાં ઊડ્યાં હતાં. કેશોદના માંગરોળ રોડ, શાક માર્કેટ વિસ્તાર, વેરાવળ રોડ, સોની બજાર સહિતના વિસ્તારોમાં જાણે કોરોનાની કોઈ અસર જ ન હોય તેમ લોકો બહાર નીકળી પડ્યાં હતાં.

કેશોદના માર્કેટમાં સામાન્ય દિવસો જેવો માહોલ જોવા મળ્યો હતો. જોકે હજી સુધી તાલુકામાં કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.

સરકાર દ્વારા કોરોનાની અસર ઓછી હોય તેવા જિલ્લા કે તાલુકા વિસ્તારોમાં કેટલીક છૂટછાટો આપવામાં આવી છે પરંતુ અહીં તો લોકો જાણે લોકડાઉન ખૂલી ગયું હોય તેમ ઘરની બહાર નીકળી પડ્યા હતા.