રાજ્ય સરકારે 3 મે સુધી સામાજિક મેળાવડાઓ અને જાહેર ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધનો કડક અણલ કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, ધાર્મિક તહેવારોની કોઈ એવી ઉજવણી નહીં થઇ શકે જેમાં લોકો ભેગા થાય. તમામ પ્રકારની જાહેર ધાર્મિક પ્રવૃત્તિ, પૂજા, બંદગી કે અન્ય એવી કોઈ પણ પ્રવૃત્તિ કે જેમાં લોકો ભેગાં થાય તે કરી શકાશે નહીં. આ માટે કોઈ પણ સ્થળે લાઉડ સ્પીકરનો અથવા અન્ય માધ્યમોનો પણ ઉપયોગ કરી શકાશે નહીં.
રાજ્ય સરકારે ફરી વખત એડવાઇઝરી જાહેર કરીને આદેશ આપ્યો છે કે, તમામ પ્રકારની ધાર્મિક પ્રવૃતિઓ ખાનગી અને વ્યક્તિગત કરવાની રહેશે. કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિમાં વ્યક્તિગત પૂજા કે બંદગી બાદ લોકો મળવા માટે કે ભોજન, નાસ્તાપાણી અથવા અન્ય કોઈ પણ કારણોસર એકત્ર થઈ શકશે નહીં.
ધાર્મિક પ્રવૃત્તિમાં લોકો એકઠા ન થાય તે માટે ધાર્મિક અને સામાજિક નેતાઓએ લોક જાગૃતિ કેળવવી એવી અપીલ પણ કરવામાં આવી છે.