Lok Sabha Election 2024: ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થઇ ચૂક્યા છે, પરંતુ ગઇકાલે છેલ્લે પ્રચારની અંતિમ ઘડીએ વેરાવળમાં એક સભા મળી હતી, જેમાં કોંગ્રેસ અને આપ સામે સામે આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. આપ નેતાએ કોંગ્રેસની એક સભામાં કોંગ્રેસના ધારાસભ્ય પર તીખા પ્રહારો કર્યા હતા.
આગામી 7મી મેએ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાવવાનું છે, અને ગઇકાલે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. ગઇકાલે ગીર સોમનાથના વેરાવળમાં કોંગ્રેસની એક સભા મળી હતી. આ સભામાં કોંગ્રેસ અને આપના નેતાઓ હાજર રહ્યાં હતા. વેરાવળની આ સભા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાનું એક ચોંકાવનારુ નિવેદન સામે આવ્યુ છે. ખરેખરમાં, આપ નેતા જગમલ વાળાએ ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમાને નિશાન બનાવતા કહ્યું કે, અહીંના ગીર સોમનાથના ધારાસભ્ય અર્ધ સરકારી થઇ ગયા છે, વિમલ ચૂડાસમા ક્યાંય દેખાતા નથી. આપણો ઉમેદવાર હીરો છે, જેનું નામ પણ હીરો છે. અહીંના ધારાસભ્ય હીરા જેવો છે જે આવ્યો નથી. દગો થયો એટલે અહીં આવવું પડ્યું. જગમલ વાળાએ વધુમાં જણાવ્યું કે, વિમલ ચૂડાસમાનું ભાજપ સાથે સેટ્ટિંગ છે. વિમલ ચૂડાસમા ક્યાંય દેખાતા નથી. કોંગ્રેસ ધારાસભ્ય જ્ઞાતિવાદ કરે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોંગ્રેસ અને આપ પાર્ટી ઇન્ડિયા એલાયન્સ હેઠળ બે બેઠકો પર ચૂંટણી લડી રહ્યાં છે. પરંતુ આપ નેતાના હવે કોંગ્રેસ પરના આવા પ્રહારો રાજનીતિને વધુ તેજ બનાવી રહ્યાં છે. છેલ્લા કેટલાય સમયથી વિમલ ચૂડાસમાની પક્ષ છોડવા અને ભાજપમાં સામેલ થવા અંગેની વાત ખુબ વાયરલ થઇ રહી છે.