લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો પર પાંચ લાખથી વધુની લીડ સાથે જીત મેળવવાનો ભાજપે ટાર્ગેટ નક્કી કર્યો છે. રાજ્યમાં સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જાહેર થઇ ગયા છે ત્યારે હવે 25 લોકસભા બેઠકો પર ભાજપ પાંચ લાખથી વધુ મતોથી જીત મેળવવા માંગે છે. જોકે ભાજપના જ ધારાસભ્યએ પાંચ લાખથી વધુ મતથી ભાજપના જીતવાને લઇને સૂચક નિવેદન આપી રહ્યા છે. જૂનાગઢના તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડે સૂત્રાપાડામાં જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે સુત્રાપાડામાં કોંગ્રેસ ખૂણે ખાચરે પણ જોવા મળતી નથી. કોંગ્રેસ તો મારી પાછળ પાછળ હતી.' ભગવાન બારડે કોંગ્રેસ પર પ્રહારની સાથે સાથે જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપની લીડ ઘટી રહ્યાની ભીતિ પણ વ્યક્ત કરી હતી.


કદાચ પાંચ લાખની લીડ ના પણ મળે


નોંધનીય છે કે સૂત્રાપાડા ખાતે ગઈકાલે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના મધ્યસ્થ કાર્યાલયને ભાવનગરના સાંસદ ભારતી શિયાળની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને આ પ્રસંગે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં સામેલ થયેલા તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે સૂત્રાપાડામાં યોજાયેલ જાહેરસભાને સંબોધિત કરી હતી. જૂનાગઢ બેઠક પર લીડ ઘટી શકે છે તેવું તેમણે સૂચક નિવેદન આપ્યું હતું. લીડ ઘટવાની શક્યતાને લઈ વધુમાં વધુ મતદાન કરાવવા તેમણે અપીલ કરી હતી.


ભગવાન બારડે કહ્યું કે પાર્ટીએ પાંચ લાખની લીડથી જીતની વાત કરી છે પણ કદાચ પાંચ લાખની લીડ ના પણ મળે. તેમણે લીડ ઘટવાની પણ આશંકા વ્યક્ત કરી હતી.  તેમણે લીડ વધારવા માટે સરેરાશ મતદાનના રેશિયો કરતા પાંચ ટકા વધુ મતદાન કરાવવાની વાત કરી હતી.

બીજી તરફ ગીર-સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને સોમનાથ બેઠક પરથી વિમલ ચુડાસમા સામે વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા ક્ષત્રિય નેતા માનસિંગ પરમારે જણાવ્યું હતું કે, સત્તાની સામે મને પણ અસંખ્ય ફરિયાદો છે, તમને પણ અસંખ્ય ફરિયાદો હશે. પરંતુ આપણી વ્યક્તિગત ફરિયાદ ભૂલી જવી પડશે. આજે જ્યારે નરેન્દ્રભાઈ જેવું સબળ નેતૃત્વ આ દેશને મળ્યું છે ત્યારે એ નેતૃત્વને આપણે સ્વીકારી અને ફરી વખત આપણે વડાપ્રધાન બનાવવાના છે'.