Banaskantha News: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ભવ્ય રેલી અને જાહેર સભાને સંબોધી હતી. આ જાહેર સભાને સંબોધતા ગેનીબેન સ્ટેજ પર રડી પડ્યા હતા.
હું બનાસની બેન છું, સામે બનાસની બેંક છેઃ ગેનીબેન
સભામાં સંબોધન દરમિયાન ગેનીબેન ઠાકોર ભાવુક થયા બતા. બનાસકાંઠાની વાત કરતા કરતા ગેનીબેન રડી પડ્યા હતા. તેમણે કહ્યું, બનાસકાંઠાની પ્રજાના ભરોસે મને ટિકિટ મળી. ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરતા કરતા ગેનીબેન રડી પડ્યા હતા. ગેનીબેન ભાવુક થતાં અન્ય નેતાઓ પણ ભાવુક થયા હતા. તેમણે કહ્યું, વડીલોની પાઘડીને આંચ નહીં આવવા દઉં. હું બનાસની બેન છું, સામે બનાસની બેંક છે.
આ ઉપરાંત તેમણે કહ્યું, ગરીબ પરિવારમાંથી આવુ છું પણ નાગરિકોને ભરોસો આપુ છું. હું ક્યારેય લાલચમાં આવી નથી, અને આવીશ નહીં.લોકશાહી રૂપિયાથી નથી ખરીદાતી. 2017ની મારી વાવની ચૂંટણી લોકોએ બતાવ્યું છે. મારા લોકોને કોઈ વહીવટી તંત્ર હેરાન કરવા માગતું હોય તો હું ઝાંસીની રાણીની જેમ ચાલીશ. હું તમને ગીતાની અને સંવીધાનની સાક્ષીએ ખાતરી આપું છું. હજુ સાતમી મે સુધી ઘણાં બધા રંગો આવવાના છે. હજુ તેવો રેલમછેલ કરશે પણ મારા બનાસકાંઠાના લોકો પર આંચ નહીં આવે. આ ચૂંટણી મારે બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે.
સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ થયા ભાવુક
સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જો કે, એ પહેલાં સુરેન્દ્રનગરમાં તેમનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં જનમેદની જોઈને ઋત્વિક મકવાણા પણ રડી પડ્યા હતા. આ ઉપરાંત બારડોલી બેઠકથી કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ અને પોરબંદર બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ ઉપરાંત ભરૂચ બેઠક પરથી ભાજપના મનસુખ વસાવા, પંચમહાલ બેઠકથી ભાજપના રાજપાલસિંહ જાદવ, દમણ બેઠકથી ભાજપના લાલુભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ તમામ 26 બેઠક માટે મતદાન યોજાશે અને 4 જૂનના રોજ મતગણતરી થશે.
આ પણ વાંચોઃ
Surendranagar: સોમા પટેલ ફરી ભાજપમાં ભળી ગયા, સી.આર.પાટીલે કરાવ્યો પુનઃપ્રવેશ