Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન યોજાશે. આ પહેલા આજે પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડાભાઈ પટેલે ફરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ખેસ ધારણ કરાવી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ભારતીય જનતા પાર્ટીમાં પુનઃ પ્રવેશ આપ્યો હતો. સોમા પટેલ અગાઉ અપક્ષ ચૂંટણી પણ લડી ચૂકેલા છે, છેલ્લે કોંગ્રેસમાં હતા અને તેમને પક્ષમાંથી દુર કરવામાં આવ્યા હતા.


થોડા દિવસ પહેલા પૂર્વ સાંસદ અને તળપદા કોળી સમાજના નેતા સોમાભાઈ પટેલએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે આ માટે અંગત કારણોસર પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાનું કારણ આપ્યું હતું.


કોણ છે સોમા ગાંડા પટેલ


પાંચમી ચોપડી ભણેલા અને 10 ઑગસ્ટ, 1940માં જન્મેલા સોમાભાઈ ગાંડાલાલ કોળી પટેલે રાજનીતિની શરૂઆત 22 વર્ષની ઉંમરે કરી હતી. અપક્ષ ઉમેદવાર તરીકે વિરમગામ નગરપાલિકાની ચૂંટણી લડીને તેઓ ઉપ પ્રમુખ પણ બન્યા હતા. 1961માં તેમણે મધુબહેન પટેલ સાથે લગ્ન કર્યાં. તેમને ચાર સંતાનોમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. ત્યારબાદ તેમણે જનસંઘ, ભાજપ, શંકરસિંહ વાઘેલાની રાષ્ટ્રીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ, એમ લગભગ ગુજરાતની તમામ મુખ્ય પાર્ટીઓમાંથી ચૂંટણીઓ લડી.


જાણકારો કહે છે કે એક સમયે તેઓ રાજકારણના એવા અઠંગ ખેલાડી હતા કે પાર્ટી તેમને પોતાના પડખે લેવા માટે પડાપડી કરતી હતી. પણ વારંવાર પક્ષ પલટો કરવાને કારણે તેમણે વિશ્વસનીયતા ગુમાવી. તેઓ ચાર વખત સાંસદ અને ત્રણ વખત ધારાસભ્ય બન્યા. તેઓ એક વાર વિધાનસભામાં વિરમગામથી ચૂંટાયા હતા અને બે વખત લિંબડીથી ચૂંટાયા હતા.


તેઓ ત્રણ વખત ભાજપની ટિકિટ પર ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા અને એક વખત તેઓ કૉંગ્રેસની ટિકિટ પરથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા. 1985માં પહેલીવાર સોમાભાઈ ભાજપની ટિકિટ પરથી વિરમગામ બેઠક પરથી ચૂંટાઈને વિધાનસભા પહોંચ્યા. તેમણે કૉંગ્રેસના ઉમેદવાર દાઉદભાઈ મિયાંભાઈ પટેલને 2446 મતે હરાવ્યા હતા.આ એ ચૂંટણી હતી જ્યારે માધવસિંહ સોલંકીની 'ખામ' થિયરીને કારણે કૉંગ્રેસનો પ્રચંડ વિજય થયો હતો. નવાઈની વાત એ હતી કે આ ચૂંટણીમાં ભાજપને માત્ર 11 બેઠકો મળી હતી અને ભાજપના એ એક ડઝન કરતાં પણ ઓછા વિજેતા બનેલા ઉમેદવારોમાં સોમાભાઈ પટેલ એક હતા. કૉંગ્રેસને 149 બેઠકો મળી હતી.


જાણકારો માને છે કે 'ખામ' થિયરીને ટક્કર આપવા ભાજપે કોળી સમાજના આગેવાન મનાતા સોમાભાઈ પટેલને પોતાના પડખે લીધા. જેને કારણે લાંબેગાળે ભાજપને વિવિધ ઓબીસી સમાજને સાધવામાં સફળતા મળી. એ જમાનામાં ભાજપ માટે કોળી સમાજની વૉટબૅન્ક બનાવવામાં સોમાભાઈ પટેલની મહત્ત્વની ભૂમિકા હતી.