રાજ્યભરમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે.  અત્યાર સુધી 1240 પશુઓના સત્તાવાર મોત થયા છે. પોણા છ લાખ પશુઓનું વેકસીનેશન કરાયું હોવાની કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે માહિતી આપી છે.  લમ્પી વાયરસે કચ્છમાં હાહાકાર મચાવ્યો છે. ટપોટપ પશુઓ મરી રહ્યા છે. ત્યારે ભુજના નાગોર રોડ પર આવેલી ડમ્પિંગ સાઈટમાં કચરો ઠલવાતો હોય એ રીતે પશુઓના મૃતદેહ ઠલવાય છે. દફનાવવા અથવા અન્ય કોઈ રીતે યોગ્ય નિકાલ કરવાના બદલે ટ્રેક્ટરમાં ભરી ખુલ્લામાં ફેંકી દેવાયા પશુઓના મૃતદેહ. 


જામનગરમાં લમ્પી વાયરસનો શિકાર બનેલા પશુઓને રસીના નામે મીઠાવાળું પાણી અપાયું હતું  ત્યારે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જામનગર મનપાના અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક  યોજી હતી. રસીકરણની કામગીરી અંગે જરૂરી આદેશ આપ્યા છે.


લમ્પી વાયરસના કહેર સામે અત્યાર સુધીમાં ગુજરાત સરકારે શું કાર્યવાહી કરી


1)રાજયના હાલની સ્થિતિએ અત્યાર સુધી રાજયના કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી,સુરેન્દ્રનગર, અમરેલી,ભાવનગર,બોટાદ,જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત ,પાટણ અરવલ્લી અને પંચમહાલ મળી કુલ 17 જિલ્લાના 1746 ગામોમાં 50,328 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા હતા.


2) આ 17 જિલ્લાઓમાં પશુપાલન ખાતાના 192 પશુચિકિત્સા અધિકારીઓ અને 568 પશુધન નિરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે. 


3) કુલ 17 જિલ્લાના 1746 ગામોમાં 50,328 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા હતા અને અસરગ્રસ્ત તમામ 50,328 પશુઓને સારવાર આપવામાં આવી છે.  



4) રાજયમાં લમ્પી સ્કીન ડીસીઝનાં નિયંત્રણ માટે રાજય સરકાર દ્વારા કુલ 14 જિલ્લ્લાઓમાં પશુઓની હેરફેર અને પશુ મેળાઓ પર પ્રતિબંધ માટે તા.26-07-2022નાં રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે. 


5) નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 5.74 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે અને હાલમાં જીલ્લા કક્ષાએ 10 લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે. 


6)પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝની સારવાર અને રસીકરણની કામગીરીને  યુધ્ધનાં ધોરણે પરિપૂર્ણ કરવા રાજયની વેટરનરી કોલેજનાં સ્નાતક, અનુસ્નાતક અને પ્રાધ્યાપકો સહિત 107 સભ્યોને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં આજથી તૈનાત કરવામાં આવ્યા છે.


7)રાજયમાં પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં નિયંત્રણની ક્ષેત્રિય કામગીરીની સમીક્ષા માટે પશુપાલન અને ગૌ સંવર્ધન રાજય મંત્રી દ્વારા તાજેતરમાં સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના ગામ ફુલઝર અને રેશમિયા, અને મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સ્થળ મુલાકાત લીધી છે અને રોગના ઝડપી નિયંત્રણ માટે સ્થાનિક તંત્રને જરૂરી સુચનો કર્યા હતા.


8) આજે 30 જુલાઈએ કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજી પટેલે   દ્વારા પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં નિયંત્રણની કામગીરીનાં સ્થળ નિરિક્ષણ માટે જામનગરની વચ્છરાજ ગૌશાળા, વિભાપર અને માં-દર્શન ગૌ શાળા,દરેડની મુલાકાત લીધી છે. 


9) સૌથી વધુ અસરગ્રસ્ત એવા કચ્છ જીલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝનાં સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી સંદર્ભે રાજયના મુખ્ય સચિવ દ્વારા  પણ સમીક્ષા કરવામાં આવી છે અને પશુપાલન સચિવ અને પશુપાલન નિયામકે ઉપસ્થિત રહી રાજયમાં થયેલ કામગીરીની વિગતો આપી હતી.


10) પશુપાલકને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી માટે શરુ કરેલ ટોલ ફ્રી હેલ્પલાઈન 1962 પર છેલ્લા આઠ દિવસમાં 15,583 એટલે કે દરરોજ સરેરાશ 1948 જેટલા કોલ્સ લમ્પી સ્કીન ડીસીઝ માટે આવ્યા છે.